(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૧
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ તાપી નદીના કેચમેન્ટ એરિયામાં આવેલ ૨૧ ગેજસ્ટેશન પૈકી સાગબારામાં ૭ ઈંચ અને ખેતીયામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉકાઈની સપાટીમાં નજીવો ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. આજે સાંજે સપાટી ૨૯૮.૮૫ ફુટ અને આજુબાજુના વિસ્તારમાંથી ૧૨ હજાર ક્યુસેકની આવક થઈ રહી છે.
સિંચાઈ વિભાગના ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ ટેસ્કામાં ૯મીમી, ગોપાલખેડામાં ૨મીમી, હથનુરમાં ૫મીમી, ભુસાવલમાં ૧મીમી અને સાવખેડામાં ૫મીમી, ગીધાડેમાં ૧૪મીમી, સારનખેડામાં ૭મીમી, સાગબારામાં સૌથી વધુ ૧૭૭મીમી તથા ખેતીયામાં ૨૮મીમી મળી કુલ ૨૬૦મીમી અને સરેરાશ ૧૨.૪૦ મીમી જેટલો વરસાદ નોધાયો છે. હથનુર ડેમની સપાટી ૨૦૯.૬૭૦ મીટર અને તાપી નદીમાં ૪૦૦૨ ક્યુસેકનો ડીસ્ચાર્જ થઈ રહ્યાં છે. ઉકાઈ ડેમની સપાટી આજે બપોરે ૨૯૬.૮૫ ફુટ અને ડેમમાં આજુબાજુના વિસ્તારમાંથી ૧૨ હજાર ક્યુસેકની આવક થઈ રહી છે. ગતરોજ ઉકાઈની સપાટી ૨૯૬.૦૬ ફુટ નોધાઈ હતી. ૨૪ કલાક દરમ્યાન ઉકાઈ ડેમની સપાટીમાં પોણા ફુટનો વધારો નોંધાયો છે. કાકરાપારની સપાટી ૧૬૦.૬૦ ફુટ અને ડીસ્ચાર્જ ૩૩૦૦ ક્યુસેક ચાલી રહ્યા છે. વિયર કમ કોઝવેની સપાટી ૬.૯૨ મીટર નોધાઈ છે. વિયરની ભયજનક સપાટી ૬ મીટરની સામે આજે લગભગ ૧ મીટર જેટલો વિયર ઓવરફ્‌લો થઈ રહ્યા છે. શહેર જિલ્લામાં થયેલ વરસાદના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થતા વિયરની સપાટી વધી રહી હોવાનું જાણાવા મળે છે.