(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
ગુજરાત સરકારનું પાઠ્ય-પુસ્તક મંડળ છબરડા કરવામાં પાછું બળીને જોતું ન હોય તો તેનો છબરડા કરવાનો સિલસિલો જારી રહેલ છે. અગાઉ સંસ્કૃતના પુસ્તકમાં છબરડો વાળ્યા બાદ હવે આ વખતે ધોરણ-૬ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાતના નકશામાં જ ભારે છબરડો વાળવામાં આવ્યો છે. ગુજરાતના નકશામાંથી આખે-આખા સાત જિલ્લા જ જાણે ખોવાઈ ગયા હોય તેવો નકશો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એટલે કે, રાજ્યના ૩૩ જિલ્લાને બદલે ર૬ જિલ્લા સાથેનો જ ગુજરાતનો નકશો પુસ્તકમાં દર્શાવાયો છે. દરમ્યાન આ છબરડાના હોબાળો થતાં શિક્ષણમંત્રીએ ગંભીર ભૂલ અંગે ખુલાસો માંગી તપાસના આદેશ આપ્યા છે. ધોરણ-૬ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં બહાર આવેલ ગંભીર છબરડોમાં રાજ્યના નકશામાંથી ગુજરાતના નવરચિત સાત જિલ્લાઓને જ ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે GCERT ડાયરેક્ટર ઉડાઉ જવાબ આપી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
ધોરણ-૬ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં જે જિલ્લાઓનાં નામનો સમાવેશ નથી થયો તેમાં, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મહિસાગર, તાપી, છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. પાઠ્ય પુસ્તકમાં ગુજરાતમાં થતાં પાકો, અભ્યારણ્યો, ખનીજ સંપત્તિ, વરસાદ વગેરે વિશે માહિતી આપવા માટે વિવિધ નક્શાઓની મદદ લેવામાં આવી છે. આ નક્શાઓમાં નવા સાત જિલ્લાઓનો સમાવેશ કરાયો નથી.
૨૦૧૩માં નવા જિલ્લાઓની રચના કરી દેવામાં આવી હોવા છતાં પાંચ વર્ષ સુધી શિક્ષણ વિભાગમાં કોઈનું ધ્યાન જ ગયું ન હતું કે, રાજ્યનો નક્શો બદલાઈ ગયો છે. આ બાબતે કોઈએ પુસ્તકના નક્શા પ્રમાણિત કરનાર સંસ્થાનું પણ ધ્યાન દોર્યું ન હતું !
જ્યારે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનિંગ (ય્ઝ્રઈઇ્‌)ના ડાયરેક્ટર ટી.એસ.જોશીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “આ પુસ્તક વર્ષ ૨૦૧૨માં તૈયાર કરવામાં આવ્યું હતું. દહેરાદૂનની એક સંસ્થા તરફથી આ નક્શાઓ પ્રમાણિત કરવામાં આવે છે.” ડિરેક્ટરની વાત પરથી એટલું તો સ્પષ્ટ છે કે દહેરાદૂનની સંસ્થાએ નક્શો પ્રમાણિત કર્યા બાદ અહીં કોઈએ પુસ્તકને જોવાની પણ તસ્દી લીધી નથી.
ડાયરેક્ટર આટલેથી અટક્યા ન હતા અને તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ભૂલ આવી જ રીતે ચાલશે. જ્યારે પુસ્તકની નવી આવૃત્તિ આવશે ત્યારે તેમાં ભૂલ સુધારવામાં આવશે.’ આ વાતનો સીધો મતબલ થાય કે જ્યાં સુધી નવી આવૃત્તિ નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં બાળકોને ગુજરાતની ભૌગોલિક સ્થિતિ કે નક્શાઓ અંગે ખોટું જ્ઞાન આપવામાં આવશે.