ફતેપુરા, તા.૭
દાહોદ જિલ્લાના ફતેપુરામાં લુણાવાડા સંતરામપુર વાયા ફતેપુરાથી બાસવાડા જતી બસ ફતેપુરામાં સાત વાગ્યાની આવેલી હતી તે બસનું ટાયર પંચર પડતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. અમુક મુસાફરો ડાયરેક્ટ બાસવાડાનાઓને જાલોદ ઉપરથી ડાયવર્ટ કરવા પડ્યા હતા અને ફતેપુરાના મુસાફરો અટવાયા હતા. હવે આ બસના ડ્રાઈવર-કંડક્ટરને પૂછતા તેઓએ જણાવેલ કે, અમોએ ડેપો ઉપર અને વર્કશોપ ઉપર જાણ કરી દીધી છે ત્યાંથી ટ્યુબ આવશે એટલે તે સુધારી અમો અહીંથી જઈશું પરંતુ દોઢ વાગ્યા સુધી ટાયરની ટ્યુબ આવી ન હતી અને ફરી ડેપો મેનેજરને પૂછતા તેઓએ જણાવેલ કે સંતરામપુરથી તમોને ટ્યુબ મોકલી આપવામાં આવશે, પરંતુ તે ટ્યુબ ત્રણ વાગ્યા આવી હતી. ફતેપુરાથી સંતરામપુર વીસ કિલોમીટર છે છતાં ૭ કલાકે ફતેપુરામાં ટ્યુબ આવી હતી જેથી તે સુધારી ફરી પરત બસ ડેપો ઉપર આવી ગઈ હતી. એસટી રાજસ્થાનમાં જાય છતાં પણ ટાયરોની કન્ડિશન જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને સ્પેર ટાયર પણ આપવામાં આવતું નથી. આમાં કોની બેદરકારી સમજવી વીસ કિ.મી.થી ટ્યુબ આવતા સાત કલાક લાગે આ બાબતે એસટીના ઉપલા અધિકારીઓ એક્શન લેશે ખરા ? છોને એસટીનું નુકસાન થાય અમારૂં શું બગડવાનું હતું તેવી નીતિ સુધરશે ખરી ?