(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૧
શહેરના વરાછા માતાવાડી વિસ્તારમાં ગતરોજ મોડી રાત્રે પોલીસે બાતમીના આધારે છાપો મારી એક ગ્રાહક તથા મહિલા સંચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દેહ વ્યાપારના ધંધા માટે લાવવામાં આવેલી છ લલનાઓની પણ પોલીસે અટકાયત કરી હતી. બનાવને પગલે મોડીરાત્રે પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ મોડીરાત્રે વરાછા પોલીસને બાતમી મળી હતી કે, વરાછામાં માતાવાડી વિસ્તારમાં મારૂતિ ચોક પાસે ગોકુલ જ્યુશ નામની દુકાનની ઉપર એક દુકાનમાં કુટણખાનું ધમધમે છે. જે બાતમીના આધારે વરાછા પોલીસ મથકના પીએસઆઇ પી.ડી.વાંદા અને તેના સ્ટાફે બાતમીવાળી જગ્યા પર છાંપો માર્યો હતો. પોલીસે છાંપો મારતા જ કુટણખાનામાંથી કુલ સાત મહિલા અને એક ગ્રાહક પોલીસને મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં પોલીસે કુટણખાનું ચલાવનાર મહિલા સંચાલક ભારતીબેન રામચંદ્ર સ્વાઇ (રહે. મોઢેશ્વરી એપાર્ટમેન્ટ, એલ.પી. સવાણી રોડ, અડાજણ) અને ગ્રાહક જયંતિ નારાયણભાઇ ગઢિયા (રહે. પરબ રેસિડેન્સી, કિસ્ટલ હોસ્પિટલ પાસે લસકાણા)ની સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અન્ય છ લલનાઓ પણ પોલીસને મળી આવી હતી. પોલીસે તમામની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.