(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૩
આણંદ શહેરમાં ભીક્ષુક તરીકે જીવન ગુજારતી અને દુકાનના ઓટલા સુઈ રહેતી મહિલા ગતરાત્રીના સુમારે પણ રેલવે ગોદી નજીક એક દુકાનના ઓટલા પર પોતાની સાત વર્ષની માસુમ દીકરી સાથે સુઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યો સખ્સ સાત વર્ષની બાળાનું સ્કુટર પર અપહરણ કરી કોઈ અજાણી નિર્જન જગ્યાએ લઈ ગયો હતો અને માસુમ બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યુું હતું. જેને લઈને માસુમ બાળાને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાળા લોહી લુહાણ થઈ ગઈ હતી. ત્યારબાદ અજાણ્યો સખ્સ બાળકીને ગામડી ત્રીકમનગર નજીક ત્યજીને ફરાર થઈ ગયો હતો.
લોહીલુહાણ હાલતમાં બાળકીને રડતી જોઈ નજીકમાં રહેતાં કેટલાક સ્થાનીક યુવાનોના ધ્યાન પર આ વાત આવતાં તેઓએ બાળકીને પુછપરછ કરતાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું ખુલ્યું હતુું. જેથી સ્થાનીક યુવાનોએ ૧૦૮ની એમ્બ્યુલન્સને જાણ કરતાં ૧૦૮ના તેજસ પટેલ અને ચેતન ભોઈ ઘટના સ્થળે દોડી ગયાં હતા અને બાળકીની તપાસ કરતાં બાળકી પર દુષ્કર્મ આચરાયુ હોવાનું જણાતાં બાળકીને ત્વરીત સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસને જાણ કરતાં પીઆઈ એન કે ચૌહાણ અને મહીલા પીએસઆઈ વાઘેલા સ્ટાફ સાથે હોસ્પીટલમાં દોડી ગયાં હતાં. દરમીયાન ઘટનાની જાણ થતા મહીલાની માતા પણ હોસ્પીટલમાં દોડી આવી હતી. ત્યારબાદ બાળકીને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર સાથે લોકો બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ પર ફીટકાર વરસાવી રહ્યાં છે. પોલીસે આ બનાવ અંગે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી પોલીસની બે જુદી જુદી ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.
રેલવે ગોદી નજીક દુકાનના ઓટલા પાસેથી સાત વર્ષની માસુમ બાળાનું સ્કુટર પર અપહરણ કરી બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટનામાં પોલીસ દ્વારા જે સ્થળેથી બાળકીનું અપહરણ કરાયું હતું તેની આસપાસની દુકાનોના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવા માટે પોલીસે તપાસ આરંભી છે. તેમજ પોલીસે પોલીસ મથકની બહારનાં પણ સીસી ટીવી કેમેરાનાં ફુટેજની ચકાસણી કરી હતી.