(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
સુરતના વેસુમાં ફ્રેન્ડશીપના નામે ગોરખધંધા કરતાં કોલસેન્ટર પરથી પોલીસે ૭ યુવતીઓ સહિત ૨૦ની ધરપકડ કરીને સપાટો બોલાવી દેતાં છેલબટાઉ યુવતીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં જ એક યુવકને બ્લેક મેઈલ કરીને લાખો રૂપિયા પડાવી લેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચે આક્રમક કાર્યવાહી કરતાં કોલસેન્ટર ધારકોમાં સોપો પડી ગયો છે.
અમરોલીના રત્નકલાકાર ગૌતમ જોષી પર એક યુવતીનો કોલ આવ્યો અને કહ્યું કે, ફ્રેન્ડશીપ ક્લબમાંથી બોલું છું, ત્યારબાદ મીઠી-મીઠી વાતો કરી રત્નકલાકારને ફ્રેન્ડશીપ કરવાની વાત કરી હતી અને તેના માટે રજીસ્ટ્રેશનના ૧૯૦૦ રૂપિયાની માગણી કરી હતી. યુવતીની વાતમાં આવી ગયેલા રત્નકલાકાર ગૌતમે ૧૯૦૦ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા આપ્યા પછી મેમ્બરશીપ લેવા માટે ૨૧ હજારની માગણી કરી હતી, જેમાં ગર્લ્સ ચેટિંગ ઉપરાંત રૂબરૂ વાત થઈ શકે, એવી સ્કીમ આપીને તેની પાસેથી ૨૧ હજારની રકમ પવન નામના વ્યક્તિના ખાતામાં મોકલી હતી. ત્યાર પછી રાધિકા નામની યુવતીએ રત્નકલાકારને પોતાની સેફ્ટી માટેની વાત કરીને તેની પાસેથી ૧ લાખની માગણી કરી હતી. જો કે, તેની પાસે ૪૦ હજારની સગવડ હતી. આથી ૪૦ હજારની રકમ ગાંધીનગર ખાતે આંગડિયા પેઢીમાં રાધિકાને મોકલાવી હતી. આવું કહીને મીટિંગના નામે ઉપરાંત હોટેલમાં બુકિંગના નામે રાધિકા, કવિતા, જ્યોતિ અને ઉમેશે રત્નકલાકાર પાસેથી કુલ ૫.૭૨ લાખની રકમ પડાવી હતી. આખરે છેતરાયેલા રત્નકલાકારે ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે મોબાઇલ પર વાત કરનાર આકાશ, રાધિકા, અભય રાયચંદ્ર, પવન, જ્યોતિ, કવિતા, અને ઉમેશ નામના ચીટરો સામે ગુનો નોંધ્યો હતો.
૧૫ બેંક એકાઉન્ટ મળ્યા
વેસુ વિસ્તારમાં ધમધમતા કોલ સેન્ટર પર રેડ પાડી ત્યારે ઓફિસમાંથી વ્યાપક પ્રમાણમાં લેપટોપ, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર સહિતની સામગ્રી મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને રોકડા રૂપિયા અને ૧૫ બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા. તમામને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
મીઠી વાતો કરીને આ લોકો સુરતીઓને છેતરતા હતા
૧. કેલ્વીન ઉર્ફે ભાવેશ પરસોત્તમ જાધાણી, ૨. હિતેશ વશરામ કાકડિયા, ૩. પ્રતિક પરસોત્તમ જાધાણી, ૪. ફેનીલ મહેન્દ્ર ધનસુખ પારેખ, પ. કરણ બીપીન ચૌધરી, ૬. સુરજ જનાર્દન ગુપ્તા, ૭. નિરજ રાજેશ્વર પ્રસાદ, ૮. પરસોત્ત ગીરીશ પ્રસાદ, ૯.દિલીપ શાંતી કુંઝરિયા, ૧૦. સુમિત હેરૂ સતપાલ, ૧૧. અમરજીત અર્જુન રામ, ૧૨. ધનંજય રાજેશ રાજભર, ૧૪. ટીનુ ગોવિંદ પટેલ, ૧૫. કાજલ કનુ શકુરભાઈ પટેલ, ૧૬. નેહા પંકજ દલસુખ પારેખ, ૧૭. પ્રતિભા ઉર્ફે વિભૂતી ગોરખ પાટીલ, ૧૮. દિનલ રશીક ભીખા સવાણી, ૧૯. ફેરીશી મહેન્દ્ર ધનસુખ પારેખ. ૨૦. મોનીકા જસમત ગણેશ ખૂંટનો સમાવેશ થાય છે.