(એજન્સી) વોશિંગ્ટન,તા.૪
ગઇ સાલ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારુઢ થયા બાદ ૧૦માંથી ૭ અમેંરિકનોનું માનવું છે કે શિષ્ટાચાર અને સભ્યતા (સિવિલિટી)નું સ્તર કથળ્યું છે એવું એક નવા સર્વેક્ષણ દ્વારા બહાર આવ્યું છે. માત્ર ૬ ટકા અમેરિકનોનું કહેવું છે કે ચૂંટણી થઇ ત્યારથી સંભાષણના એકંદર સૂરમાં સુધારો થયો છે અને ૨૦ ટકા કહે છે કે આવો કોઇ સુધારો થયો નથી એવા તારણો એનપીઆર-પીબીએસ-ન્યૂઝ અવર-મારીસ્ટ કોલ પરથી બહાર આવ્યા છે.
આ સર્વેમાં અમેરિકનો શિષ્ટાચાર અને સભ્યતાને કઇ રીતે પક્ષપાતી ધોરણે જુએ છે તે જાહેર થયું છે. ૮૦ ટકા કરતા વધુ ડેમોક્રેટ્‌સનું માનવું છે કે જ્યારથી રીપબ્લિકન પાર્ટીના અબજોપતિ રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા છે ત્યારથી શિષ્ટાચાર અને સભ્યતાનું ધોરણ ખરાબ રીતે કથળ્યું છે અને ૭૦ ટકા અપક્ષો પણ આ જ મત ધરાવે છે. ૬૫ ટકા રીપબ્લિકનોનું માનવું છે કે નવેમ્બરથી તેમની પાર્ટી અને ડેમોક્રેટ્‌સ વચ્ચેની સભ્યતા અને શિષ્ટતા ઘટી છે.
મારીસ્ટ કોલેજ ઇન્સ્ટીટ્યૂટ ફોર પબ્લિક ઓપિનિયનના ડાયરેક્ટર લી માયરીંગોફે જણાવ્યું હતું કે વોશિંગ્ટનમાં હવે શિષ્ટતા અને સભ્યતા ઓસરી રહી છે એ બાબતે સર્વાનુમતિ પ્રવર્તે છે. આ પોલમાં પ્રજામાં રાષ્ટ્રની લોકતાંત્રિક શ્રદ્ધામાં અવિશ્વાસનું ઊંચું ધોરણ જોવા મળ્યું હતું. મોટા ભાગના અમેરિકનો (૪૬ ટકા) જણાવે છે કે તેમને હવે કોંગ્રેસમાં બહુ વિશ્વાસ નથી જ્યારે ૨૨ ટકા લોકોનું કહેવું છે કે તેમને વૈધાનિક શાખામાં કોઇ વિશ્વાસ નથી. મીડિયાના વિશ્વાસના મુદ્દે અમેરિકા પક્ષપાતી ધોરણે ગહન રીતે વિભાજિત છે. ડેમોક્રેટને (૫૬ ટકા) મીડિયામાં વધુ વિશ્વાસ છે જ્યારે ૯ ટકા રીપબ્લિકનો કહે છે કે તેમને પ્રેસમાં વિશ્વાસ છે અને ૫૯ ટકા રીપબ્લિકનોનું કહેવું છે કે તેમને મીડિયા કે પ્રેસમાં બિલકુલ વિશ્વાસ નથી. ૧૦ અમેરિકનોમાંથી ૬ કરતા વધુ અમેરિકનોનું કહેવું છે કે ટ્રમ્પ પ્રશાસનનો અમેરિકનો પ્રત્યે સારો વ્યવહાર કે વર્તાવ નથી. ૭૦ ટકા ડેમોક્રેટ કહે છે કે તેમને વ્હાઇટ હાઉસમાં બિલકુલ વિશ્વાસ નથી.