(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
માઓવાદીઓની ધમકીઓની પરવા કર્યા વિના હિંસા અને ઇવીએમમાં ખરાબીના અહેવાલો વચ્ચે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીઓના પ્રથમ તબક્કા માટે ૧૮ વિધાનસભા વિસ્તારોમાં સોમવારે ૭૦ ટકા મતદાન થયું છે. જોકે, વર્ષ ૨૦૧૩માં આ વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં થયેલા ૭૫.૫૩ ટકા મતદાન કરતા આ આંકડો થોડો ઓછો છે. ખુજ્જી વિસ્તારમાં સાંજે ૪.૩૦ સુધીમાં જ સૌથી વધુ ૬૫.૫ ટકા મતદાન થઇ ગયું હતું. વર્ષ ૨૦૧૩માં માઓવાદ ગ્રસ્ત બસ્તરમાં ૪૦ ટકા મતદાન થયું હતું જ્યારે અહીં સોમવારે ૫૮ ટકા મતદાન થયું હતું. બીજી તરફ અન્ય નકસલ પ્રભાવિત દંતેવાડામાં પણ ૫૮ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા નકસલ પ્રભાવિત વિસ્તારો કોંડાગાંવ, કેશકાલ, કાંકેર, ખૈરાગઢ અને ડોંગરગઢમાં અનુક્રમે ૬૧.૪૭, ૬૩.૫૧, ૬૨, ૬૦.૫ અને ૬૪ ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, મતદાન શરૂ થતાં જ નક્સલવાદીઓ દ્વારા દંતેવાડા જિલ્લામાં આઇઇડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેઓ મતદાનનો બહિષ્કાર કરવાની માગણી કરી રહ્યા હતા. બીજાપુર અને સુકમા જિલ્લાઓના મતદાન મથકો પાસેથી સલામતી દળોએ આઇઇડી વિસ્ફોટકો શોધી કાઢ્યા હતા. બીજી તરફ બીજાપુર જિલ્લાના પામેડ વિસ્તારમાં જુદા જુદા એન્કાઉન્ટર દરમિયાન પાંચ કોબ્રા કમાન્ડો ઘાયલ થયા હતા જ્યારે પાંચ નકસલવાદીઓને ઠાર કરાયા હતા. પ્રથમ એન્કાઉન્ટર માઓવાદીઓ દ્વારા કોબ્રાની ૨૦૪ બટાલિયન પર ગોળીબાર કર્યા બાદ થયું હતું જેમાં બે જવાન ઘાયલ થયા હતા. જોરદાર જવાબ અપાતા માઓવાદીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. જ્યારે આ જ પેટ્રોલિંગ ટીમ જ્યારે મજિગુડા ગામ પાસે હતી ત્યારે માઓવાદીઓએ ફરીવાર તેના પર ફાયરિંગ કર્યું હતું જેમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અમિત દેશવાલ, હેડ કોન્સ્ટેબલ સુનિલ અને કોન્સ્ટેબલ ચૈતન્ય ઘાયલ થયા હતા. ચૂંટણી દરમિયાન રાજ્યમાં માઓવાદી હુમલા વધી ગયા હતા. છેલ્લા બે અઠવાડિયામાં બળવાખોરોએ ત્રણ મોટા હુમલા કર્યા હતા જેમાં આઠ સલામતી દળોના જવાનો અને પાંચ નાગરિકોના મોત થયા હતા. ૩૦મી ઓક્ટોબરે દંતેવાડાના નીલાવયામાં માઓવાદી હુમલામાં દૂરદર્શનના કેમેરામેનનું મોત થયું હતું. ૧૮ વિધાનસભા બેઠક પર મતદાન દરમિયાન ૧.૨૫ લાખ પોલીસ, અર્ધલશ્કરી દળો ખડકાયા હતા જેઓને ખાસ નકસલ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાયા હતા. આ ૧૮ બેઠકોમાંથી ૧૨ બેઠકો નકસલવાદ અસરગ્રસ્ત હતી. આ ૧૮ બેઠકોમાંથી કોંગ્રેસે અહીં ૨૦૧૩માં ૧૨ બેઠકો જીતી હતી જ્યારે બાકીની બેઠકો પર સંઘર્ષ કરવો પડ્યો હતો. દરમિયાન કોંગ્રેસે બસ્તર વિસ્તારમાં કેટલાક ઇવીએમમાં ગરબડ હોવાનો આરોપ મુક્યો હતો પરંતુ ચૂંટણી પંચે તેને ફગાવી દીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટીએસ સિંહ દેવે કહ્યું હતું કે, છત્તીસગઢમાં ભાજપે પોતાનો પાયો ગુમાવ્યો છે અને બસ્તરમાં બસ્તરમાં ઇવીએમમાં ગરબડના અહેવાલો ભાજપની નિરાશા અને શોક દર્શાવે છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીને કારણે ૩૧ ઇવીએમ અને ૫૧ વીવીપેટને બદલી નાખવામાં આવ્યા હતા. છત્તીસગઢમાં હવે બીજા તબક્કા માટે આગામી ૧૯મી નવેમ્બરે મતદાન થશે.