(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.ર૩
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કેરીની ચાલી રહેલી મોસમનો સંપૂર્ણ લાભ લોકોને મળે પણ તેમનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તે બાબતની સતત સાવધાનીના પગલે આજે ગેરકાયદેસર રીતે રાસાયણિક તત્ત્વોથી પકવાતી સાતસો કિલો જેટલી અખાદ્ય કેરીનો નાશ કર્યો છે અને કેરી પકવવા માટે વપરાયેલા રાસાયણિક દ્રવ્યો પણ કબજે કર્યા છે. મોતીસાર ઢાળિયા પાસે યુસુફ ધાણીવાળાના ગોડાઉનમાંથી આજે ૭૦૦ કિલો રાસાયણિક રીતે પકવેલી કેરી, ૩૦ પડીકી કાર્બાઈડ અને ૩પ પડીકી ચાઈનીઝ ઈથીલીનનો જથ્થો કબજે કર્યો છે અને અખાદ્ય કેરીના જથ્થાને નાશ માટે ડમ્પીંગ સાઈટમાં ખસેડવાની કામગીરી પણ હાથ ધરી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા સમાન આ રાસાયણિક દ્રવ્યો કે જેનાથી કેરીને અકુદરતી રીતે પકવવામાં આવે છે તે ઝડપવાની સતર્કતા અને સાવધાનીભરી કાર્યવાહી આરોગય વિભાગના ફૂડ ઈન્સ્પેક્ટર્સ ડી.બી. પરમાર અને પી.એસ. ઓડેદરા દ્વારા આજે કરવામાં આવી હતી.