(એજન્સી) લખનૌ, તા.૧૮
ઉત્તરપ્રદેશમાં હત્યા સહિત ૭૪ ગંભીર ગુનાહિત મામલા સાથે જોડાયેલા રેકોર્ડ ગુમ થયા હોવાનું જણાયું છે. જે સંદર્ભે નારાજ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશની સરકારની આકરી ઝાટકણી કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ગંભીરતા પર પ્રશ્ન ઉઠાવતા ચેતવણી આપી છે કે આ અપરાધને અંજામ આપનાર દોષિતોને છોડવામાં આવશે નહીં. ગઈકાલે કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ અરૂણ મિશ્રાની બેંચે આ મામલે રાજ્ય સરકાર સમક્ષ જવાબ માંગ્યો હતો કે છેલ્લે આ ફાઈલો ક્યાં ક્યાં અધિકારીઓ પાસે હતી. સરકારને તમામ ગુનાઓના રેકોર્ડ બતાવવા પણ આદેશ આપ્યો હતો. વધુમાં કોર્ટે જે-તે દોષિત અધિકારીને તુરંત જ બરતરફ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. નોંધનીય છે કે યુપીમાં ભાજપની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી યોગીએ રાજ્યને અપરાધ મુક્ત બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ આ બનાવથી લાગી રહ્યું છે કે પ્રશાસન આ દાવાથી બિલકુલ વિપરીત દિશામાં કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ રેકોર્ડ અલ્હાબાદ હાઈકોર્ટમાં બાકી પડેલ અપીલ દરમિયાન ગુમ થયા હતા. જે ૧૯૮૧થી ૧૯૯૧ની વચ્ચેના છે.