(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોઈ કર્મચારી જો નોકરી છૂટવાના એક માસની અંદર બીજી નોકરી નહીં મેળવી શકે તો તેને પોતાના ફંડમાંથી ૭પ ટકા રકમ ઉપાડવાની મંજૂરી અપાશે. તેમણે લોકસભામાં આ અંગેની માહિતી આપી હતી. કેન્દ્રીય શ્રમપ્રધાને જણાવ્યું હતું કે, કર્મચારી પ્રોવિડન્ટ ફંડના ટ્રસ્ટીઓના કેન્દ્રીય બોર્ડની રરરમી બેઠક ગત ર૬ જૂનના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં ઈપીએફ સ્કીમ ૧૯પરના પેરેગ્રાફ ૬૮ એચએચમાં પ્રસ્તાવને સંમતિ આપવામાં આવી હતી. જેની જોગવાઈ મુજબ સતત એક માસ સુધી નોકરી નહીં મળતા ઈપીએફ ધારક પોતાના કુલ પ્રોવિડન્ટ ફંડમાંથી ૭પ ટકા રકમ ઉપાડી શકશે. પ્રશ્નકાળ દરમિયાન આ માહિતી આપવામાં આવી હતી. શ્રમ પ્રધાને જણાવ્યું હતું કે, આ અગાઉ પ્રોવિડન્ટ ફંડ યોજના-૧૯પર હેઠળ સતત બે માસ સુધી નોકરી નહીં મળતા પીએફ ધારક સંપૂર્ણ રકમ ઉપાડી શકતા હતા. એક અરજી કરી તેઓ આ રકમ ઉપાડી શકતા હતા. અરજી મળ્યાના બે દિવસથી બે માસની અંદર સંપૂર્ણ રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરાતી હતી.