(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૧
૩૧ ઓક્ટોરબર ૨૦૧૩ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદીના સાધુ બેટ પર સરદાર પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે તેનું ભૂમિ પૂજન કર્યું હતું. આજે એ ઘટનાને સાડા ૪ વર્ષ થવા આવ્યા છે. ઓક્ટોબર ૨૦૧૩માં નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણી કેવડિયા આવ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિ પૂજન કર્યું હતું અને આજે એ ઘટનાને સાડા ૪ વર્ષ વીતી ગયા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૭૫ ટકા કામ પૂરું થયું છે. કુલ રૂ.૨૩૩૨ કરોડમાંથી રૂ.૧૭૦૦ કરોડ ખર્ચાઈ ગયા છે. બ્રોન્ઝના વિવિધ ૬ હજાર ટુકડાને જોડીને સ્ટેચ્યુ બનશે અને તે હાલમાં વાઘડિયા ગોડાઉનમાં છે. આ બ્રોન્ઝમાં ૯૦ ટકા જેટલું તાંબુ અને બાકીનું ટીન અને ઝીંક ધાતુ છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય પુલનું કામ ૯૫ ટકા પૂરું થયું છે. સ્ટેચ્યુનું રુલ લેવલથી ૨૪૦ મીટરનું કામ પૂરું થઇ ગયું છે. અત્યાર સુધીમાં રાફ્ટ ફાઉન્ડેશન, રીટનીંગ વોલ, એક્ઝિબિશન હોલના ફ્લોરનું કામ પૂરું થયું છે. જયારે સર્વિસ બિલ્ડીંગનું, મેમોરિયલ અને વિઝીટર સેન્ટરનું ૯૫ ટકા કામ પૂરું થયું છે. હાલમાં ફોર લેન રોડ વિગેરેનું કામ ચાલુ છે અને સ્ટેચ્યુ યુનિટીને જે પેનલો લગાડવાની છે તેને મોટી હેવી ટ્રકોમાં ક્રેઈનની મદદથી લાવવામાં આવી રહી છે. સરદાર પટેલની જન્મ જ્યંતી ૩૧ ઓક્ટોબરના રોજ છે. ત્યારે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટનું કામ પૂર્ણ થાય તે માટે દિવસ રાત કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કુલ ૨૯૮૯ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ દેશના વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેક્ટ હોઈ તેઓ જાતે ખાસ ધ્યાન રાખી રહ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટનું ૭પ ટકા કામ પૂર્ણ : ૩૧ ઓક્ટો.એ લોકાર્પણ

Recent Comments