(એજન્સી) પટણા, તા.૧૧
બિહારમાં લખીસરાય જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ૮ લોકોનાં દર્દનાક મોત થયા હતા. હલસીથાના વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન અચાનક તેજ રફતાર ટ્રક ઘૂસી આવતા લગ્ન મંડપમાં બેઠેલા ૮ લોકોનાં કચડાઈ જવાથી મોત થયા હતા, જ્યારે ૬ લોકો ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું કે, હલસી બજાર નિવાસી દુઃખી માંઝીના પુત્રીના લગ્ન હતા. લોકો લગ્ન સમારોહમાં આવ્યા હતા. કેટલાક જાનૈયા સડક કિનારે બનેલા પંડાલમાં બેઠા હતા, તે સમયે અચાનક લખીસરાય તરફ જઈ રહેલો તેજ રફતાર ટ્રક પંડાલમાં ઘૂસી ગયો અને લોકોને કચડીને વીજળીના થાંભલા સાથે ટકરાઈ ગયો. મૃતકોમાં ત્રણ જાનૈયા અને પાંચ કન્યા પક્ષના લોકો સામેલ છે. કુલ ૮ લોકોનાં મોત થયા છે, જ્યારે ચાર ઘાયલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બેની હાલત ગંભીર છે. ટ્રકચાલક અકસ્માત બાદ વાહન છોડી ભાગી છૂટ્યો હતો. કેસ દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.