(એજન્સી) ગુમલા (ઝારખંડ), તા.૨૩
ઝારખંડના ગુમલા જિલ્લામાં જાદૂ-ટોણાની શંકાએ ચાર આદિવાસીઓને માર મારીને હત્યા કરવાના મામલામાં બે પુજારી સહિત ૮ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. એક નિવેદન મુજબ ધરપકડ કરાયેલા લોકો શનિવાર અને રવિવાર દરમિયાનની રાત્રિએ નગર-સિસકારી ગામમાં ચાર વૃદ્ધોને તેમના ઘરોમાંથી ખેંચીને બહાર કાઢનારા અને ડંડાથી પીટાઇ કરાનારા લોકોમાં સામેલ હતા. બાદમાં ચારે વૃદ્ધોનાં મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં ગામના બે પુજારીઓનો સમાવેશ થાય છે. લોહીથી ખરડાયેલા ડંડા પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. પોલીસને એવી શંકા છે કે ચારે વૃદ્ધોને ઢોર માર મારીને તેમની હત્યા કરવામાં આ ડંડોઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધીક્ષક અંજની કુમાર ઝાએ કહ્યું કે મૃતકોને સુના ઉરાંવ (૬૫), ચંપા ઉરાઇ (૭૯), ફાગુની દેવી (૬૦) અને પિરી ઉરાઇન (૭૪) તરીકે ઓળખી પાડવામાં આવ્યા છે.
એસપીએ જણાવ્યું કે આરોપીઓ સામે ભારતીય ફોજદારી કાયદા અને જાદૂ-ટોણા વિરોધી કાયદા ૨૦૦૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ખરેખર, આશરે એક સપ્તાહ પહેલા આદિવાસીઓના ગામમાં એક વ્યક્તિનું બીમારીને કારણે મોત થયું હતું. ત્યાર પછી માર મારીને હત્યા કરવાનો આ મામલો બહાર આવ્યો હતો. પોલીસ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક ઉપદ્રવીઓએ એ વ્યક્તિનું મોત સુનૈના ઉરાંવ દ્વારા કથિત જાદૂ-ટોણાને કારણે થયું હોવાની અફવાઓ ફેલાવી હતી. સાથે જ એવી જ અફવા પણ ફેલાવવામાં આવી હતી કે આ ચારે વૃદ્ધોએ ગામ પર જાદૂ કર્યો છે અને તેના કારણે રાત્રે આત્માઓનો ચીસો પાડવાનો અવાજ આવે છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગામના બે પુજારીઓએ ગામવાળાઓની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચારે આદિવાસીઓ પર મુકાયેલા જાદૂ-ટોણાના આરોપો અંગે ચર્ચા કરવામાં આવી હતી.