(એજન્સી) તા.૬
રોહિંગ્યા મુસ્લિમોનો નરસંહાર અને પલાયનની આકરી ટીકા કરતાં હુર્રિયતના ચેરમેન અને કાશ્મીરના મુખ્ય મૌલવી મિરવાઇઝ ઉમર ફારૂકે મંગળવારે કહ્યું કે આગામી સપ્ટેમ્બર ૮નાં રોજ કાશ્મીરમાં રોહિંગ્યા પીડિતોને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે એકતા દિવસ મનાવાશે. તેમણે ટિ્‌વટ કરતાં લખ્યું હતું કે અમે રોહિંગ્યા મુસ્લિમોના કત્લેઆમની આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ, કાશ્મીર રોહિંગ્યા મુસ્લિમોની પડખે ઊભું રહેશે અને આ મામલે વિશ્વના મૌન અંગે વિરોધ દર્શાવવા અમે ૮ સપ્ટેમ્બરના રોજ એકતા દિવસ મનાવીશું. મુતાહિદે મજલિસ-એ-ઉલેમા(એમએમયુ)ના વડા મિરવાઇઝને ટેકો આપતાં કેટલાક અન્ય ધાર્મિક સંસ્થાનોએ મ્યાનમારમાં જે રીતે મ્યાનમારની સરકાર અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાર કરવામાં આવી રહ્યો છે તેની ટીકા કરી હતી. મિરવાઇઝ ઉમર ફારૂખ સાથે જમાત-એ-ઇસ્લામી, જમિયત-એ-અહિલહદિત, અંજુમન-એ-શેરે શિયા, ઇસ્લામિક સ્ટડી સર્કલ, ઇત્તેહાદ-ઉલ-મુસ્લેમિન, દારુલ ઉલુમ રાહેમિયા બાંદીપોરા, અંજુમન-એ-તબ્લિગુલ ઇસ્લામ, અંજુમન-એ-હિમાયતુલ ઇસ્લામ, ગ્રાન્ડ મુફ્તી જમ્મુ-કાશ્મીર, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, દારુલ ઉલુમ બિલાલિયા, દારુલ ઉલુમ કાસીમીયા, અંજુમન-એ-નસરતુલ ઇસ્લામ, અંજુમન-એ-મઝહરિક હક બીરવા, દારુલ ઉલુમ નુરુલ ઇસ્લામ ત્રાલ, પરવાન-એ-વિલાયત જમ્મુ-કાશ્મરી, એહલેબેત ફાઉન્ડેશન, અંજુમન-એ- ઉલેમા-એ- એહનાફ અને અન્ય મુસ્લિમ સંગઠનોએ એક સંયુક્ત નિવેદનમાં રોહિંગ્યા મુસ્લિમો પર કરવામાં આવી રહેલા અત્યાચારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે સમર્થન આપવા અને રોહિંગ્યા મુસ્લિમો સાથે એકતા દર્શાવવા જમ્મુ-કાશ્મીરના નાગરિકો શુક્રવારે એકતા દિવસ મનાવશે. તેમાં જણાવાયું છે કે આ દિવસે જુમ્માની નમાઝ બાદ શાંતિપૂર્ણ દેખાવો કરવામાં આવશે જેમાં એમએમયુ સહિત અન્ય સંગઠનો પણ સાથ આપશે. જે તમામ મસ્જિદો અને દરગાહો પાસેથી પસાર થશે અને તે રોહિંગ્યા મુસ્લિમો પ્રત્યે કાશ્મીરી નાગરિકોનો ટેકો દર્શાવશે. તમામ માનવાધિકાર સંગઠનોને પણ આ મામલે પત્ર મોકલી દેવામાં આવ્યાં છે. તેમજ ઓઆઇસી, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય ફોરમને પણ આ મામલે પ્રતિક્રિયા આપવા આગ્રહ કરાયો છે. આ તમામ સંગઠનોએ વિશ્વના ટોચના સંસ્થાનોના રોહિંગ્યા મુસ્લિમો મામલે મૌન પર સવાલો ઊભા કરી દીધા છે. હાલમાં રખાઇન વિસ્તારમાં રોહિંગ્યા મુસ્લિમોનું મ્યાનમારની સેના દ્વારા કત્લેઆમ કરવામાં આવી રહી છે. લાખો લોકો પલાયન કરવા મજબૂર થયા છે. જોકે અન્ય દેશોમાં પણ શરણાર્થીઓની સંખ્યા વધવાથી ચિંતા ઊભી થઇ રહી છે.