કેન્દ્ર-ગુજરાત સરકાર તથા RBIના “સબ ઠીક હૈ”ના દાવા પોકળ !

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૭

નોટબંધીની અસર તળે સમગ્ર રાજ્યની પ્રજા પીસાઈ રહી છે. તા.૮મીનસ રાત્રિએ વડાપ્રધાન મોદીએ કરેલી નોટબંધીની જાહેરાત બાદથી જ સામાન્ય પ્રજાજન જીવન-નિર્વાહ માટેના અત્યંત જરૂરી પરિબળ એવા નાણાં માટે રીતસરની રઝળપાટ કરી રહ્યો છે. કેન્દ્ર તથા ગુજરાત સરકાર સઘન વ્યવસ્થાના દાવાઓ કરી વાહ-વાહીમાંથી ઉંચા આવતા નથી અને રિઝર્વ બેન્ક સમગ્ર તંત્ર ગોઠવવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે. જેના કારણે લોકો બેન્ક તથા એટીએમના ધરમધક્કા ખાઈ કલાકોનો સમય વેડફી રહ્યાં છે. એમાય શુક્રવારથી કેન્દ્ર અને આરબીઆઈના આદેશોને પગલે નોટ બદલવાનું બંધ કરી દેવાના તેમજ શનિ-રવિ  બેન્કો બંધ હોઈ છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી નાણાં માટેનું એક માત્ર ઓપ્શન એટીએમ ૮૦ ટકા જેટલા બંધ રહેતા નાગરિકોની સ્થિતિ અત્યંત કફોડી બનવા પામી છે. આવી સ્થિતિમાં લોકોના રોષમાં વધારો થઈ રહ્યો છે.

રૂા.પ૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટો પર પ્રતિબંધ ફરમાવવાના પગલે દેશભરમાં રોજેરોજ દેખાવો-વિરોધ થઈ રહ્યા છે. પરંત સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. ભ્રષ્ટાચાર નાબુદી માટેના મોટા કદમ તરીકે વાહવાહી કરવામાંથી ઉંચી નહીં આવતી સરકાર લોકોને અગવડ ના પડે તે માટે પુરતી સઘન વ્યવસ્થા ગોઠવાયાના છેલ્લા ૧પ-૧પ દિવસોથી દાવાઓ કરી રહી છે. તેમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પણ પૂરતી રોકડ ઉપલબ્ધ હોવાના અને સારી વ્યવસ્થા બેન્કોએ ગોઠવાયાના પોકળ દાવાઓ કરતી રહી છે. રાજ્ય ભરની બેન્કોમાં શુક્રવારથી નોટ બદલવાની કામગીરી બંધ કરી દેવાતા લાઈનો ઓછી થવા પામી છે પરંતુ તે લાઈનો એટીએમને શોધતી અને તેમાં લાગતી જોવા મળી હતી. શુક્રવારથી બેન્કોમાં કામ બંધ અને પછી શનિ-રવિની બેન્કોમાં રજા એમ છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી સામાન્ય પ્રજાજન માટે નાણાં ઉપાડવા કે જૂની નોટો જપ્ત કરવા એકમાત્ર વિકલ્પ એટીએમનો જ બાકી રહ્યો હતો ત્યારે આરબીઆઈની ગુલબાંગો અને નિષ્ફળતાને પગલે રાજ્યભરના ૮૦ ટકા એટીએમ નાણાં વિના બંધ રહેતા લોકો નાણાં માટે એકથી બીજા એટીએમ ખાતે ધક્કા ખાતા જોવા મળ્યા હતા અને હેરાન થયેલી પ્રજામાં તેના કારણે રોષ પણ ફેલાઈ રહ્યો છે.

પોતાના પરસેવાની કમાણીના નાણાં મેળવવા માટે સામાન્ય નાગરિકને વલખાં મારવા પડી રહ્યા છે. નોટબંધી કરવાના નિર્ણય અગાઉ જ વધુ આયોજન (રીતસર પ્લાનિંગ) કરવામાં નિષ્ફળ રહેલ સરકાર તથા આરબીઆઈ હવે સ્થિતિ થાળે પાડવા ફાંફાં મારી રહ્યાં છે. લોકોને જીવન-નિર્વાહ માટે જરૂરી નાણાં ન મળતાં ઘણી વસ્તુ માટે દયનીય હાલતમાં પણ મુકાવવુંપડે છે. રૂા.૧૦૦૦ની નોટ તો ચલણમાંથી સદંતર બંધ કરી દેવાતા એક માત્ર ખાતામાં જ જમા કરાવવાનું હોઈ તેમજ એટીએમમાંથી જમા સામે ખર્ચ માટે રકમ નિકાળવાનું પણ ધરમ-ધક્કાવાળુ બની રહેતા લોકો જાયે તો જાયે કહાંની સ્થિતિમાં મુકાયા છે. રાજ્યભરમાં સંખ્યાબંધ એટીએમમાં હજુ અપડેટ કામગીરી બાકી છે તો તેને કારણે બંધ છે તો બાકીના મોટી સંખ્યામાં એટીએમ કેશ વિના બંધ હાલતમાં રહેતા લોકોને એકથી બીજા એટીએમના ધક્કા ખાવા પડી રહ્યા છે. જો આવી જ સ્થિતિ આગામી દિવસોમાં જારી રહેશે તો કફોડી હાલતમાં મુકાતી સામાન્ય પ્રજાનો રોષ વધુ ભડકે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.