(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
ખેડૂતોના પાક-વીમાનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં રહેતો આવ્યો છે અને આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ ભાજપ સરકાર પર પ્રહારો કરતી રહે છે ત્યારે વિધાનસભાના બજેટ સત્રમાં આજે પણ પ્રશ્નોત્તરીમાં મોટાભાગ કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ખેડૂતો પાસેથી ખરીફ પાકનું કરોડો રૂપિયાનું પ્રિમિયમ વસૂલવા ઉપરાંત ગુજરાત તથા કેન્દ્ર સરકાર પાસેથી પણ સરખે ભાગે કરોડો રૂપિયાના પ્રિમિયમની વીમા કંપનીઓને ચૂકવણી કરાય છે તો તેની સામે પૂરતી રકમ પાક-વીમા તરીકે ચૂકવાતી નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાએ ખાનગી વીમા કંપનીઓને કમાવી આપવાની હોય તેમ પ્રિમિયમ ભર્યા જેટલી રકમ ચૂકવાતી નથી તે કરોડો રૂપિયા વીમા કંપનીના ખિસ્સામાં જમા રહે છે જેમાં ર૦૧૮ના ખરીફ પાક દરમિયાન કુલ રૂા.ર૮ર૧.૬ કરોડનું પ્રિમિયમ વીમા કંપનીઓ ચૂકવાયું હતું તેની સામે ર૦ર૯ કરોડનો જ વીમો ચૂકવવામાં આવેલ છે અને ૮૦૦ કરોડ જેટલી રકમ ખાનગી વીમા કંપનીઓએ સેરવી લીધી હોવાનું ખુદ સરકારના જવાબ પરથી જ જણાઈ આવે છે.
પાક-વીમા અંગેનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ખેડૂતો માટે માથાનો દુઃખાવો બની રહેલ છે અને તેને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારમાં વારેઘડીએ રજૂઆતો કરવા સાથે હોબાળો પણ મચાવવામાં આવતો રહે છે. તેઓને આક્ષેપ છે કે, ખેડૂતોની પરસેવાની રકમ પ્રિમિયમ પેટે વસૂલાય છે અને તેમાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર પણ પોતાના હિસ્સારૂપે પ્રિમિયમની સરખી રકમ ખાનગી વીમા કંપનીઓને ચૂકવાય છે તેમ છતાં ચૂકવાયેલી પ્રિમિયમની રકમ જેટલી પણ વીમાની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી. આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખાનગી વીમા કંપનીઓને કમાવી દેવાની યોજના છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં તો એકપણ ખેડૂતો એક પૈસો પણ વીમા પેટે ચૂકવાયો ન હોવાની વિગતો બહાર આવી છે જેમાં ખેડા, ડાંગ, વલસાડ, ગાંધીનગર, નર્મદા જેવા મોટાભાગના આદિવાસી બહુમતીવાળા જિલ્લાઓનો સમાવેશ થાય છે તો વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, આણંદ, નવસારી, તાપી, સુરત, અરવલ્લી, મહેસાણા જેવા જિલ્લાઓમાં જૂજ સંસ્થામાં ખેડૂતોને વીમાની ચૂકવણી કરાઈ છે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં ખુદ સરકારના કૃષિ મંત્રીએ જણાવેલ વિગતો પરથી આ બધી હકીકત સામે આવી છે જેમાં ખેડૂતો દ્વારા રૂા.૩૪૯ કરોડનું પ્રિમિયમ ચૂકવાયું અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૧ર૩૬-રૂા.૧ર૩૬ કરોડ પોતાના હિસ્સાપેટે પ્રિમિયમ ચૂકવવામાં આવ્યું હતું. આમ કુલ મળીને રૂા.ર૮ર૧.૬ કરોડનું પ્રિમિયમ ખાનગી વીમા કંપનીઓને ચૂકવાયું તેની સામે કંપનીઓએ રૂા.ર૦ર૯ કરોડ વીમા પેટે ખેડૂતોને ચૂકવ્યા અને બાકીના ૮૦૦ કરોડ જેટલી રકમ પોતાના ખિસ્સામાં નાંખી દીધી હોવાનું આ જવાબ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
ખેડૂતો દ્વારા પ્રિમિયમ ચૂકવણીમાં સૌથી ટોપ પર રાજકોટ જિલ્લો છે જ્યાં ૬૪ કરોડનું ખેડૂતોએ પ્રિમિયમ ચૂકવ્યું હતું. તે પછીના ક્રમે અમરેલીમાં પ૧.૩ કરોડ અને સુરેન્દ્રનગરમાં પ૦.૬ કરોડનું પ્રિમિયમ ચૂકવાયું હતું તેમ મંત્રીએ જવાબમાં વધુ જણાવ્યું હતું.