(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા. ર૪
ગુજરાતની ભાજપ સરકાર ર૧મી સદીમાં ડિજિટલાઈઝેશનની સાથે સમગ્ર તંત્રને આધુનિકરણના ઈક્વીપમેન્ટથી જોડવાની મોટાપાયે વાતો કરતી રહે છે અને તેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરે છે. જો કે પ્રજાના કરોડોના નાણાંના ખર્ચ બાદ અદ્યતન ટેકનોલોજી અથવા તો આધુનિક સાધનો કેટલાક ઉપયોગમાં આવી રહ્યા છે અને તેનો લાભ લોકોને યોગ્ય રીતે મળી રહ્યો છે કે કેમ ? તે જોવાની પણ સરકારી તંત્રને ફુરસદ નથી. પરિણામે લાખો-કરોડોના ખર્ચે વસાવેલા આ અદ્યતન સાધનો વગેરે ઉપયોગ વિનાના જેમના તેમ પડી રહે છે. રાજ્ય સરકારે મોટા ઉપાડે મોટી મોટી જાહેરાતો કરી રાજ્યભરના તમામ પોલીસ મથકોમાં લાખો-કરોડોનો ખર્ચ કરી સીસીટીવી કેમેરાની સુવિધા વસાવી હતી. આ સીસીટીવી કેમેરા લગાવી ટેસ્ટ વગેરે કરી ચાલુ કર્યા બાદ પાછુ વળીને કોઈએ ન જોતા તેમાંથી મોટાભાગના કેમેરા બંધ હાલતમાં મૂકાઈ જવા પામ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના શહેર-ગ્રામ્ય બે વિભાગો તેમજ કચ્છના બે વિભાગો (પૂર્વ-પશ્ચિમ) એમ કુલ મળીને ૩૮ શહેર-જિલ્લા-વિભાગોના કુલ ૮૦૦ જેટલા સીસીટીવી પોલીસ મથકોમાં બંધ હાલતમાં છે. જેના કારણે તેનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. આમ સરકાર દ્વારા જે હેતુસર રાજ્યના તમામ પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા તેનો હેતુ સિદ્ધ થઈ શકેલ નથી.
સરકાર દ્વારા આ બંધ સીસીટીવી કેમેરા ક્યારે ચાલુ કરવામાં આવશે તેવા પ્રશ્નના જવાબમાં કોઈ સ્પષ્ટ સમયમર્યાદા જણાવવાને બદલે ગોળ-ગોળ જવાબ આપતાં સત્વરે ચાલુ કરી આપવાનું જણાવી દેવામાં આવ્યું છે. આ સીસીટીવી કેમેરા બહુ જૂના પણ નથી અને તેમ છતાં પણ તેના મેઈન્ટેનન્સ વગેરેે પાછળ કેટલો ખર્ચ કરાયો તેવો પ્રશ્ન કરાતાં સરકાર તરફથી લેખિતમાં સ્પષ્ટ રીતે ખર્ચ અંગેનો જવાબ આપવાને બદલે જણાવી દેવાયું છે કે આ પ્રોજેક્ટમાં કેમેરા વગેરે માટે ઈન્સ્ટોલેશનથી લઈને પાંચ વર્ષ સુધીના મેઈન્ટેનન્સ સહિતની તમામ બાબતોના સમાવેશ સાથે કરાર કરવામાં આવેલ હોઈ અલગથી મેઈન્ટેનન્સ માટે ખર્ચની વિગતો આપી શકાય તેમ નથી.