(એજન્સી) ખાર્તૂમ, તા.૮
ગત મહિનાથી સુદાનમાં યોજાયેલા સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન ૮૦૦થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સોમવારે ગૃહમંત્રીએ જણાવ્યું હતું. અહમદ બિલાલ ઉસ્માને સંસદને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલ કુલ પ્રદર્શનકારીઓની સંખ્યા ૮૧૬ છે. સરકાર દ્વારા બ્રેડની કિંમતોમાં વધારો કરાયા બાદ ૧૯ ડિસેમ્બરે યોજાયેલી ઘાતક રેલીઓ દરમિયાન હિરાસતમાં લેવામાં આવેલા લોકોનો આ આંકડો અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યા મુજબ, પ્રદર્શનો દરમિયાન સર્જાયેલી અથડામણમાં બે સુરક્ષાકર્મીઓ સહિત ઓછામાં ઓછા ૧૯ લોકોનાં મોત નિપજ્યાં હતા, પરંતુ અધિકાર સમૂહ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા મૃત્યુનો આંક ૩૭ હોવાનું દર્શાવવામાં આવ્યું છેે. ઓસ્માને સાંસદોને જણાવ્યું કે, ૧૯ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કુલ ૩૮૧ જેટલા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. તેમણે કહ્યું કે, આ વિરોધ પ્રદર્શનો દરમિયાન ૧૮ જેટલી પોલીસ સંબંધિત ઈમારતો સહિત કુલ ૧૧૮ ઈમારતોને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. ઉપરાંત ૧પ જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સંબંધિત વાહનો સહિત કુલ ૧૯૪ વાહનોને આગ ચાંપવામાં આવી હતી. જો કે, પ્રદર્શનો શાંતિપૂર્ણ રીતે યોજાયા હોવા છતાં કેટલાક તોફાની તત્ત્વોએ લૂંટફાટ કરી હોવાનું સામે આવ્યું હતું.