અમદાવાદ, તા.૭
દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ જિલ્લામાં આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા દરમિયાન દેમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદનું પાણી સીધુ મધુબન ડેમમાં આવતા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા સપાટીનું રૂલ લેવલ જાળવી રાખવા માટે આજે સવારેથી ડેમના આઠ દરવાજા ખોલી એક લાખ ક્યુસેસ પાણી છોડવાની શરૂઆત કરી છે જેના પરિણામે આ પાણી નવસારી અને વલસાડ જિલ્લામાં આવેલી નદીઓમાં આ પાણી આવતા નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે. જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સુધી ધોધમાર વરસાદ પડ્યા બાદ વરસાદે પોરો ખાધો છે. આજે પણ સવારથી સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદે વિરામ લીધો જોકે ડાંગ જિલ્લામાં મેઘરાજાએ મનમૂકીને વરસી રહ્યા છે. સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીના છ કલાકમાં આહવામાં ૧૪૨ મી.મી, વઘઈમાં ૧૬૪ મી.મી, સુબીરમાં ૨૦૪ મી.મી અને સાપુતારામાં ૧૦૭ મી.મી વરસાદ પડ્યો હતો.