રાયપુર,તા.૨૨
છત્તીસગઢમાં ગુરૂવાર રાત્રે એક કાર તળાવમાં પડી જવાથી આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. મૃતકોમાં ચાર મહિલાઓ ઉપરાંત એક છ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં તમામ લોકો એક જ પરિવારના હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર છત્તીસગઢના બાબા મોહતરા ગામમાંથી બેમેતરા તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે કાર પરનું પોતાનું નિયંત્રણ ગુમાવી દેતા કાર તળાવમાં પડી ગઈ હતી. તળાવ વધારે ઉંડું હોવાના કારણે તમામ લોકો પાણીમાં ડૂબી ગયા હતા.
સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણકારી પોલીસને આપતા કારને દોરડાથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. ટીઆઈ રાજેશ મિશ્રાને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કારમાં બેઠેલા આઠેય લોકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તમામને મૃત જાહેર કર્યા હતા. કલેક્ટરે મૃતકોના પરિવારને આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરી છે.