અમદાવાદ, તા.૧૦
સોશિયલ મીડિયામાં પરપ્રાંતિયોને ટાર્ગેટ કરી માર મારવાની અફવાઓ ફેલાવતા વધુ ૯ લોકોને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવતા જુદા-જુદા ૭૦થી ૮૦ જેટલા પ્રોફાઈલને શોધી કાઢી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. જેમાં ગુજરાતના જુદા-જુદા જિલ્લામાંથી ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મહેસાણા જિલ્લામાંથી કિરણજી નાગીનજી ઠાકોર, ભરતકુમાર દશરથજી ઠાકોર, નટુજી પ્રતાપજી ઠાકોર, પાટણ જિલ્લાના અમરત ગુલાબજી ઠાકોર, અમદાવાદ શહેરમાંથી દશરથ ઈશ્વરભાઈ સાદડિયા, ગીરીશકુમાર નરશીભાઈ જાદવ, વડોદરા ગ્રામ્યમાંથી શકીલહુસેન ઉર્ફે શાહરૂખ હુસેનભાઈ શેખ, રમેશભાઈ જીવણભાઈ રાઠોડ, પંચમહાલ જિલ્લામાંથી મિતુલકુમાર રમેશભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે. આમ અત્યાર સુધી ૩૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.