ડભોઈ,વડોદરા,તા.૭
જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે તેમ ભાજપના ઉમેદવારો જે તે કોમ વિશે નફરત ફેલાવતા ભાષણો કરી મતોના ધ્રૂવીકરણનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન ધરવામાં આવી રહ્યાની ચર્ચા લોકોમાં સંભળાઈ રહી છે.
વડોદરા જિલ્લાની ડભોઈ બેઠક પર ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલ શૈલેષ મહેતા (સોટ્ટા)એ ડભોઈ નગરમાં એક પબ્લિક મીટિંગમાં મુસ્લિમો વિશે બોલતા જણાવ્યું હતું કે ૯૦ ટકા વસ્તી મારી સાથે હોય તો મારે મુસ્લિમોના ૧૦ ટકા વોટ નથી જોઈતા હું વોટ માટે ટોપી નહીં પહેરૂં, હું જે ધર્મમાં જન્મ્યો છું તે લોકો મારી સાથે હોય તો હું ૧૦ ટકા મત માટે તેમની તરફદારી કેમ કરૂં ? એમની વસ્તી ઓછી કરવી જરૂરી થઈ ગઈ છે. મારી ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો મસ્જિદ કે મદ્રેસા માટે દાન નહીં કરૂ, વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું અહીં ડર પેદા કરવા જ આવ્યો છું અસામાજિક તત્વો મારાથી ડરવા જોઈએ. અને હવે એ લોકો ડરશે જ મારી સભામાં દાઢી-ટોપીવાળા હોય તો માફ કરજો પણ આ દાઢી-ટોપીવાળાઓની વસ્તી ઘટાડવાની જરૂર છે.
એક તરફ શાંતિમય માહોલમાં ચૂંટણી કરવા ચૂંટણીપંચ તકેદારી રાખી રહ્યું છે. ત્યારે મુસ્લિમો પ્રત્યે લઘુતાગ્રંથિથી પીડાતા અને કોમી માનસ ધરાવતા આવા નેતા ચૂંટાયા પછી મુસ્લિમ સમાજનું શું કામ કરશે ? તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે અને આવા કોમી માનસ ધરાવતા માણસની આશા પણ શું રાખવી ?
ચૂંટણી પ્રચારમાં બે કોમ વચ્ચે નફરત થાય તેવું વિવાદાસ્પદ ભાષણ કરનાર શૈલેષ સૌટ્ટા સામે ચૂંટણીપંચ કાયદાનો કોયડો વિંઝશે ખરૂ ? કે પછી ઉપરથી આવેલ દબાણમાં તેમની સામે તંત્ર નિષ્ક્રિય બની જશે.આ અગાઉ રામસીંગ પરમારે કોમી તોાફનો કરાવવાની તથા કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર સતિષ નિશાળિયા દ્વારા આદિવાસી સમાજને ઉચ્ચારીને કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીથી ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે. મુસ્લિમ સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને પગલે વીડિયો વાયરલ થયા બાદ તંત્રની જવાબદારી વધી જવા પામી છે. ભાજપ પાસે આ વખતે ચૂંટણી પ્રચાર અર્થે કોઈ મુદ્દો નથી લોકોને કહેવા માટે કોઈ મુદ્દો નથી જેથી ભાજપના તમામ નેતાઓ તેમની કામગીરીના હિસાબ આપતા નથી આવતા પાંચ વર્ષમાં તે શું કામ કરશે તે પણ કહેતા નથી એમ ડભોઈ વિધાનસભા બેઠક પર ઉભેલ કોંગ્રેસ ઉમેદવાર સિધ્ધર્થ પટેલે પ્રતિક્રિયા આપી હતી. માત્ર ધર્મના નામે લોકોની લાગણીઓ ઉશ્કેરીને જાતિ-જાતિ વચ્ચે વિવાદો કરાવી જાતિવાદ ના નામે મત લેવાની ભાજપના પ્રયાશા નીતિ છે ડભોઈ ના ભાજપના ધારાસભ્યના પદના ઉમેદવાર બે જવાબદાર રીતે નિવેદન કરી રહ્યા છે તેમના નિવેદનના કારણે કોમી એકતા જોખમાય અને શાંતિ ડહોળવાના પ્રયાસથી ડભોઈના શાણાના મતદારો હવે જાગૃત થઈ ગયા છે ચૂંટણીપંચ કેમ મૌન બેસી રહ્યું છે.