અમદાવાદ, તા. ર૭
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો થયા છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. આને મોદી સરકારની ઉપલબ્ધી ગણવી કે શું? તેવો પ્રશ્ન કોંગ્રેસે ઉઠાવી દેશની પ્રજાને સસ્તા દરે પેટ્રોલ-ડીઝલ આપવા માગણી કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ર૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન છે. મોંઘવારી આસમાને પહોંચી છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં ૬ ટકાનો વધારો કર્યો છે. સાથો-સાથ રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. ખાનગી ગેસ કંપનીઓએ સીએનજી-પીએનજીની કિંમતમાં વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારાથી વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. જ્યારે કેરોસીનમાં ૩૧.ર ટકા અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારો ઝીંકાયો છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦થી ૪ર૦ ટકાનો વધારો થઈ ગયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ-ઓઈલના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના આશીર્વાદથી ઓઈલ કંપનીઓએ દેશના નાગરિકો પાસેથી ૯૦,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ લૂંટી લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઈએ તો દેશના ૧રપ કરોડ નાગરિકોને પેટ્રોલ-રૂા.૪૦ અને ડીઝલ રૂા.૩રના ભાવે આપી શકાય તેમ છે પણ મોદી સરકારની જનવિરોધી નીતિના પરિણામે ઓઈલ કંપનીઓ કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથી વસુલ કરીને મોટી નફાખોરી કરી રહી છે અને ભાવ ઘટાડાનો લાભ દેશના સામાન્ય નાગરિકને આપવામાં આવતો નથી.

ગત વર્ષની સરખામણીમાં ડીઝલના ભાવ
૧૭ મે, ર૦૧૭ ર૭ ઓગસ્ટ, ર૦૧૮
અમદાવાદ ૬૩.૭૭ ૭૪.૬૦
વડોદરા ૬૩.૪૬ ૭૪.રર
સુરત ૬૩.૬૭ ૭૪.પ૩
રાજકોટ ૬૩.૬ર ૭૪.૪૦