(એજન્સી) પટના, તા.૫
બિહારમાં પહેલી વખત અનુશાસનનો ભંગ કરવાના આરોપમાં ૧૭૫ કોન્સ્ટેબલને ડ્યુટી પરથી સસપેન્ડ કરવામાં આવ્યા છે. તેમાંથી લગભગ ૧૬૭ કોન્સ્ટેબલ તો એવા હતા જેમની ટ્રેનિંગ ચાલી રહી હતી. આ બધા જ કોન્સ્ટેબલે શુક્રવારના રોજ પોલીસ લાઈનમાં એક ટ્રેઈની મહિલા કોન્સ્ટેબલની મોત બાદ હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં, આ કોન્સ્ટેબલોએ અધિકારીઓ સાથે મારપીટ પણ કરી હતી. આ ઉપરાંત આ લોકોએ સરકારી વાહનોને પણ નુકશાન પહોંચાડ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, પટણામાં એક મહિલા પોલીસકર્મીનું ડેન્ગ્યુના લીધે મોત થયા પછી પોલીસ કર્મીઓએ અધિકારીઓ પર ત્રાસ આપવાનો આરોપ મૂકીને પોલીસ લાઈનમાં હંગામો મચાવ્યો હતો અને સિટી એસપી, ડીએસપી અને સાર્જન્ટ મેજરને દોડાવી-દોડાવીને મારપીટ કરી હતી. લાઠીઓથી માર મારીને અધિકારીઓને ભગાડ્યા હતા અને તેમના વાહનોમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં ઉશ્કેરાયેલા સિપાહીઓએ આસપાસની દુકાનો અને ઘરોમાં ઘૂસીને પણ હોબાળો મચાવ્યો હતો. આ મામલે ૧૭૫ જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. આ કાન્સ્ટેબલોને પોતાને સોંપેલા કાર્યમાં લાપરવાહી દર્શાવવાના આરોપમાં સસપેન્ડ કર્યા છે. તેમાંથી લગભગ ૯૩ જટેલા પોલીસો તો યેન-કેન પ્રકારે પટણા પોલીસ લાઈનમાં છેલ્લા ૧૦ વર્ષથી પણ વધારે સમયથી પોતાનો અડિંગો જમાવીને બેઠા હતા. જેમને પણ પટણા જોનથી બહાર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.