(એજન્સી) પેરિસ, તા.૧૦
બોલીવુડની હોટ અભિનેત્રી ગણાતી મલ્લિકા શેરાવતને પેરિસ સ્થિત મકાન આખરે ખાલી કરવાનો આદેશ મળ્યો છે. ફ્રેન્ચ કોર્ટે સમયસર ઘરનુ ભાડુ ન આપવા મામલે આ આદેશ કર્યો છે. અભિનેત્રી પોતાના બોયફ્રેન્ડ સાઈરીલ ઓખ્સનફેન્સની સાથે પેરીસના ૧૬ એરાંડિસ્મેંટ એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાક સમયથી રહેતી હતી. તેના પર ૭૮,૭૮૭ યૂરો એટલે કે ૬૪ લાખ રૂપિયાનુ ભાડુ ન ચુકવવાનો આરોપ છે. આ કપલ છેલ્લા એક વર્ષથી અહીં વસવાટ કરી રહ્યુ છે.
ફ્લેટનું પ્રતિ મહિનાનુ ભાડું ૬, ૦૫૪ યૂરો છે. ફ્લેટના માલિકે કોર્ટમાં જણાવ્યુ છે કે, મલ્લિકાએ ક્યારેય સમયસર ભાડું ચૂંકવ્યું જ નથી. માત્ર ૨,૭૧૫ યૂરોની જ ચુકવણી કરી છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે ૧૪ ડિસેમ્બરના રોજ મલ્લિકા શેરાવતને નોટિસ મોકલી હતી. કોર્ટે મલ્લિકા અને સાઈરીલને ભાડું ચૂકવી દેવા જણાવ્યું હતું.
જો કે આ અંગે તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહીં અને હવે આખરે કોર્ટે બન્નેને મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આપને જણાવી દઈએ કે, બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત છેલ્લા કેટલાક સમયથી પોતાના બોયફ્રેન્ડ સાથે પેરિસમાં વસવાટ કરે છે. તેમજ તેની પાસે હાલ કોઈ કામ ન હોવાથી તે કામની શોધમાં હોવાનું પણ મનાઈ રહ્યુ છે.