(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
ટ્રેજેડી કિંગ દિલીપકુમારે ૧૧ ડિસેમ્બરના રોજ ૯પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. દિલીપકુમાર એટલે કે મોહમ્મદ યુસુફખાનનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯રરના રોજ પેશાવર પાકિસ્તાનમાં થયો હતો. વર્ષ ૧૯૯૧માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ અને વર્ષ ર૦૧પમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલીપકુમારની યાદગાર ફિલ્મોમાં ૧૯પ૦ અને ૧૯૬૦ના દશકમાં બહાર પાડનારી ‘આન’, ‘દાગ’, ‘દેવદાસ’, ‘મધુમતિ’, ‘પૈગામ’, ‘મુગલે આઝમ’, ‘રામ ઔર શ્યામ’નો સમાવેશ થાય છે. દિલીપકુમારે લગભગ છ દશક સુધી કામ કર્યા બાદ ૧૯૯૮માં ‘કિલા’ ફિલ્મ સાથે સિનેજગતને વિદાય આપી હતી. દિલીપ સાહેબ સાથેની યાદો તાજા કરતાં હેમા માલિનીએ કહ્યું કે દિલીપકુમાર તે અભિનેતાઓમાંના એક છે જે તેમના સમયમાં તમામ ફિલ્મ નિર્માતાઓના સૌથી પસંદગીના કલાકાર હતા. તમામ મોટા પ્રોડકશન હાઉસ તેમની સાથે ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા. દિલીપકુમારને ર૮ નવેમ્બરના રોજ ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારથી દિલીપકુમારનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે.