(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧
સુરતના મહિલા સ્વાતંત્ર્ય સેનાની દમયંતીબેન જીતેન્દ્રભાઈ જરીવાલાનું ૯૭ વર્ષની વયે અવસાન થયું છે. માત્ર ૧૯ વર્ષની વયે હિંદ છોડો આંદોલનમાં સક્રિય ભાગ લેનાર દમયંતીબેને આઝાદીની ચળવળમાં જોડાઈ જેલવાસ પણભોગવ્યો હતો. તેઓ પીપલોદની સાંઈ આશિષ સોસાયટી, ચાંદની ચોક પાસે નિવાસ કરતા હતા. દમયંતીબેનનો જન્મ ૯-૫-૧૯૨૨ના રોજ સુરતમાં થયો હતો. તેમના માતા સવિતાબેન છોટાલાલ સરૈયા પણ સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય રહ્યા હતા. સવિતાબેન મહાત્મા ગાંધીજીના માર્ગદર્શનમાં હરિજન બહેનોને સીવણકામ શીખવતા અને અક્ષરજ્ઞાન આપતા હતા. જેથી જ દેશપ્રેમ અને આઝાદીની લડત માટેની પ્રેરણા એમને ગળથૂથીમાં જ મળી હતી. એક સમયે પોલીસના હાથે ઝડપાઈ ગયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. એમને સમજાવવામાં આવ્યું હતું કે, તમે અંગ્રેજોે સામે સૂત્રો બોલી વિરોધ કરતા નહોતા એવું કોર્ટમાં કહી દેજોે. તો ઓછી સજા થશે.’ પરંતુ તેમણે કોટમાં મક્કમતાથી જણાવ્યું હતું કે, હા, અમે સૂત્રો બોલતા હતા અને હજી પણ અંગ્રેજોના દમન સામે અવાજ ઉઠાવીશું. જેથી તેમને સજારૂપે સાબરમતી જેલમાં જવું પડ્યું હતું. જેલમાં અંગ્રેજોેના અત્યાચાર સહન કર્યા જેલમાં પણ ભગવદ ગીતાના પાઠ કરતા હતા. તેઓ કુટુંબ સાથે રહી ધાર્મિક જીવન જીવતા હતા. રાજ્ય સરકાર તરફથી તેમે માસિક રૂા.૨૮ હજાર પેન્શન પ્રાપ્ત થતું હતું. તેમના અવસાનથી સુરત વાસીઓમાં શોકની લાગણી પ્રસરી છે.