પાટીદાર યુવાનના પોલીસ કસ્ટડીમાં મોત બાદ અપાયેલા બંધના એલાનને પગલે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮

મહેસાણા પોલીસ દ્વારા ચોરીના આક્ષેપ બદલ કેતન પટેલ નામના યુવાનની ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં રહેલા આ યુવાનના મોતના મામલે મહેસાણામાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. દરમ્યાન આજે પાટીદારોએ ઉત્તરગુજરાત બંધનું આપેલું એલાન આંશિક સફળ રહ્યું હતું. બંધના એલાનને પગલે સાવચેતીના પગલાં રૂપે એસ.ટી. બસોના રૂટ બંધ કરી દેવાયા હતા. બંધને પગલે રસ્તા પર ઉતરી આવેલા પાટીદારોએ ઠેર-ઠેર ચક્કાજામ કર્યો હતો અને રસ્તાઓ ઉપર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.  બલોલ ગામના પાટીદાર યુવાન કેતન પટેલના કસ્ટોડીયલ ડેથની ઘટનાના પડઘા રૂપે પાટીદારોએ આજરોજ ઉત્તરગુજરાત બંધના આપેલા એલાનના પગલે આજરોજ મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના શહેરોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.  પાટણ જિલ્લામાં બંધને લઈ પોલીસ સવારથી જ સતર્ક થઈ ગઈ હતી. જિલ્લાના બગવાડા દરવાજા ખાતે પાટીદારોએ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તાઓ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરી દીધો હતો. પાટણના કેટલાક બજારો સવારથી જ બંધ રહ્યા હતા અને પાટીદારોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવતા દહેશત ફેલાઈ ગઈ હતી.  સાબરકાંઠા જિલ્લામાં બંધ સજ્જડ રહ્યો હતો. હિંમતનગર એસ.ટી. વિભાગે મહેસાણા તરફ જતી એસ.ટી. બસોના તમામ રૂટ બંધ કરી દીધા હતા. સરકારી જીન, મોતીપરા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પણ પોલીસ ટુકડીઓ ગોઠવી દેવાઈ હતી. આ ઉપરાંત ર૦ ખાનગી વાહનોમાં એસઆરપીની બે ટુકડી તૈનાત કરાઈ હતી. હિંમતનગરમાં બંધને પગલે રપ લોકોની અટકાયત કરવામાં આવી હતી.  મહેસાણા જિલ્લામાં બંધની અસર સૌથી વધુ જોવા મળી હતી. કસ્ટોડિયલ ડેથમાં મૃતક કેતન પટેલ આ જ જિલ્લાનો હોવાથી પાટીદારોમાં વધુ ઉશ્કેરાટ હતો. મૃતક કેતનના પિતા મહેન્દ્ર પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જુઠ્ઠા છે. ભાજપના એકપણ નેતાએ અમારી મુલાકાત લીધી નથી. દરમ્યાન બંધના એલાનને મહેસાણામાં જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. મોટાભાગના બજારો બંધ રહ્યા હતા. વિસનગરમાં એસ.ટી. બસ સહિતના વાહનો સળગાવવામાં આવતા પોલીસમાં નાસભાગ મચી ગઈ હતી.  બનાસકાંઠા જિલ્લામાં તો પાટીદારો ઉપરાંત ખેડૂતો પણ રસ્તા પર ઉતરી આવતા પોલીસમાં ચોતરફ દોડધામ મચી ગઈ હતી. ધાનેરામાં કોંગ્રેસે રસ્તાઓ પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો તે હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરતા વાહનોની કતારો જામી ગઈ હતી. ડીસા ભીલડી હાઈવે પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવાના મેસેજથી પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.