વિશ્વભરની ૯૯ પૈકી ભારતની બે ટીમોએ ભાગ લીધો હતો
અમેરિકાના નાસા ખાતે યોજાયેલી સ્પર્ધામાં મંગળ તથા ચંદ્ર પર ચાલી શકે તેવું રોવર બનાવનાર ટીમનું નેતૃત્વ મુળ વડોદરાનાં વિદ્યાર્થી તિર્થ શાહે કર્યું હતું તસ્વીરમાં નાસા ખાતે તિર્થ શાહ તથા તેની ટીમના સાથીઓ તસવીરમાં દૃશ્યમાન થાય છે.
(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૧૬,
મંગળ અને ચંદ્રની સપાટી ઉપર ચલાવી શકાય તેવું રોવર બનાવવા માટે અમેરિકાની અવકાશી સંસ્થા નાસા દ્વારા યોજાયેલી સ્પર્ધામાં વિવિધ દેશોના વિદ્યાર્થીઓની ટીમોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતમાંથી ગયેલી બે ટીમો પૈકી એક ટીમનું નેતૃત્વ મુળ વડોદરાનાં વિદ્યાર્થી તિર્થ શાહે કર્યું હતું.
નાસા દ્વારા ભારતની પાંચ સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું જે પૈકી બે સંસ્થાઓની ટીમ સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી. જે પૈકી મુળ વડોદરાનાં એવા વિદ્યાર્થી અને હાલમા મુંબઈમાં રહી નરસી મુનજી ઈન્સ્ટીટયુટમાં અભ્યાસ કરતો તિર્થ શાહ સહિત છ વિદ્યાર્થીઓની ટીમ સાથે નાસા ખાતે ગયો હતો. તિર્થ શાહના નેતૃત્વમાં આ ટીમે ચંદ્ર અને મંગળની સપાટી ઉપર અવકાશ શાસ્ત્રીઓ ચલાવી શકે તેવું રોવર બનાવ્યુ હતું. નાસા ખાતે પહોંચી આ વિદ્યાર્થીઓએ તમામ સ્પેર પાર્ટસ સાથે લઈ જઈ ત્યાં જ આ રોવર એસેમ્બલ કર્યું હતું.
તિર્થ શાહે જણાવ્યું હતું કે અમેરિકાની ૩૦ સહિત વિવિધ દેશોમાંથી આવેલી ૯૯ જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મંગળ અને ચંદ્રની સપાટી ઉપર ચલાવી શકે તેવા રોવરની ટેસ્ટ રાઈડમાં અમારી ટીમ સહિત ૩૫ ટીમો સફળ રહી હતી. આગામી દિવસોમાં અવકાશી ક્ષેત્રે વધુ સારૂ કામ કરી દેશનું નામ રોશન કરવું છે તેમ તિર્થ શાહે જણાવ્યું હતું.
Recent Comments