(એજન્સી) ટ્યુનિશિયા, તા.૧૨
ગેરકાયદેસર રીતે ભૂમધ્ય સાગર પાર કરીને યુરોપીય દેશોમાં જવાનો પ્રયાસ કરી રહેલા પ૦થી વધુ લોકોનાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યાં હતાં.
અહેવાલ મુજબ, ટ્યુનિશિયા અને તૂર્કીના તટો નજીક રવિવારે ભૂમધ્ય સાગર પાર કરીને નાવ દ્વારા ગેરકાયદેસર રીતે યુરોપીય દેશોમાં જઈ રહેલા પ૦ લોકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતાં. આ ઘટના ર ફેબ્રુ.ના રોજ લીબિયા પાસે સમુદ્રમાં ડૂબી જવાથી ૯૦ લોકોનાં મોત બાદ સૌથી મોટી ઘટના માનવામાં આવી રહી છે. ઓક્ટોબરમાં પણ સૈન્ય જહાજ સાથે ગેરકાયદે પ્રવાસીઓની એક નાવ ટકરાઈ જતા ૪૪નાં મોત થયાં હતાં.
ટ્યુનિશિયાઈ અધિકારી મુજબ, રવિવારે દેશના દક્ષિણી સાગરમાં સફાકસ શહેરના લગભગ ૪૭ શબ શોધી કાઢવામાં આવ્યા હતા. જ્યારે ૬૮ લોકોને ડૂબતા બચાવી લેવાયા હતા.
ઈટલી જવાનો પ્રયાસ કરી રહેલા આ લોકોની નાવમાં છિદ્ર પડી જતા પાણી ભરાઈ જતા નાવ ડૂબી ગઈ હતી. અહીં બચાવી લેવામાં આવેલ એક ટ્યુનિશિયાઈએ જણાવ્યુંં કે, નાવ પર લગભગ ૧૮૦ લોકો સવાર હતા. જેનાથી મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. કોસ્ટગાર્ડ અને નેવીએ સૈન્ય જહાજની મદદથી અન્ય લોકોની શોધખોળ અભિયાન ચાલુ કર્યું છે.