(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં એક દલિતની મારપીટ બાદ થયેલ હત્યાની ઝાટકણી કાઢતા આ ઘટનાની એક વીડિયો પોસ્ટ કરી હતી. તેમણે ટ્‌વીટ કર્યું કે, કાળજું કંપાવી દેનાર આ વીડિયો મનુવાદી વિચારધારાનું પરિણામ છે. આ બીમારી આપણા દેશમાં ફેલાય એના પહેલાં આપણે એને રોકવી પડશે. તેમ અધ્યક્ષે ટ્‌વીટ કર્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની આ દમનકારી વિચારધારાને આપણે સહુએ એકસાથે મળીને હરાવવી પડશે. આ બદલાવનો સમય છે.
ઉલ્લેખનીય છે કે, પાછલા દિવસોમાં ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક કારખાનાના પરિસરમાં ફેક્ટરીના માલિક સહિત પાંચ લોકોએ કચરા વીણનાર ૪૦ વર્ષીય દલિતને કથિત રીતે મારપીટ કરી મારી નાખ્યો હતો. અધિકારીઓએ પીડિત મુકેશ વાણિયા અને તેમની પત્ની જયા વાણિયાની મારપીટ થઈ હોવાનું જણાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રાદડિયા ઈન્ડસ્ટ્રીઝના માલિક સહિત આરોપીઓની આઈપીસી, એસસી, એસટીની એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.