(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દેવાના કેન્દ્રના પગલા સામે શનિવારે સુપ્રીમકોર્ટના બારણા ખટખટાવ્યા છે. ખડગેએ કેન્દ્રના આ પગલાને ‘ગેરકાનૂની’ અને સીબીઆઇ કાયદાનો ભંગ ગણાવ્યો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા ખડગેએ સુપ્રીમકોર્ટમાં રજૂ કરેલી પોતાની અરજીમાં જણાવ્યું છે કે વિપક્ષના નેતા, વડાપ્રધાન અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની ત્રણ સભ્યોની બનેલી સમિતિ જ કાયદા મુજબ સીબીઆઇના ડિરેક્ટરની નિમણૂંક અને હટાવવા અંગે નિર્ણય લઇ શકે છે. તેમણે એવું પણ કહ્યું કે સીબીઆઇના ડિરેક્ટર સામે કાર્યવાહી કરવાની સેન્ટ્રલ વિજિલન્સ કમીશન (સીવીસી) પાસે કોઇ સત્તા નથી. તેમણે પોતાની અરજીમાં એવું પણ કહ્યું છે કે સીબીઆઇના વડાની પસંદગી કરતી ત્રણ સભ્યોની સમિતિમાં તેઓ સભ્ય હોવાથી આ કેસમાં કોઇ પણ આદેશ આપતા પહેલા તેમની રજૂઆત સાંભળવી જોઇએ. તેમણે ઉમેર્યું કે સીબીઆઇના ડિરેક્ટરનો કાર્યકાળ સંરક્ષિત છે અને સમિતિની પૂર્વ મંજૂરી વગર સીબીઆઇના ડિરેક્ટરની ટ્રાન્સફર પણ કરી શકાય નહીં. કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે ભારતની અગ્રણી તપાસ એજન્સીની અખંડતા અને સંસ્થાકીય પવિત્રતા બચાવવા અને જાળવી રાખવાનું રાષ્ટ્રીય અને જાહેર હિતમાં છે.
આલોક વર્મા અને તેમના નાયબ રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે ૨૪મી ઓક્ટોબરે મોડી રાત્રે ૨-૩૦ વાગે આદેશ આપીને બંનેના બધા ચાર્જ છીનવી લેવામાં આવ્યા છે અને નાગેશ્વર રાવને સીબીઆઇના વચગાળાના ચીફ બનાવવામાં આવ્યા છે. સીબીઆઇના બોસ તરીકેની સત્તાઓ છીનવી લેવામાં આવ્યાના કલાકોમાં જ આલોક વર્માએ સરકારના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે વર્મા સામેની સીવીસી તપાસ પુરી કરવા માટે બે સપ્તાહની મહેતલ નક્કી કરી છે અને તપાસ પર દેખરેખ રાખવાનો એક નિવૃત્ત જજને આદેશ આપ્યો છે. નોંધનીય છે કે સીબીઆઇના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે તેના ટોચના બે અધિકારીઓએ એક-બીજા સામે લાંચ લેવાનો આરોપ મુક્યો છે. આ મામલામાં તપાસ એજન્સીના ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરવામાં આવી છે. દેવેન્દ્ર કુમારને રાકેશ અસ્થાનાના પસંદગીના અધિકારી માનવામાં આવે છે.