(એજન્સી) તા.૧૬
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. ભારતીય જનતા પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પરંતુ ભાજપ બહુમતથી દૂર છે. વળી, કોંગ્રેસ અને જેડીએસએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ રણનીતિ સાથે કામ કરી રહી છે. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ રાજ્યપાલે કોંગ્રેસ અને જેડીએસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપ્યું તો અદાલતનો દરવાજો ખખડાવવામાં આવશે. ચૂંટણી પહેલા જેડીએસને કિંગ મેકર કહેવામાં આવતું હતું પરંતુ હવે જેડીએસ કિંગ બનવા જઈ રહી છે. ભલે જેડીએસ ત્રીજા નંબરનો પક્ષ છે પરંતુ કોંગ્રેસે ખુલ્લી ઓફર આપીને એક મોટો દાવ ખેલ્યો છે. નાનો પક્ષ હોવા છતાં મુખ્યમંત્રી જેડીએસના હશે. જો કે આવું પહેલી વાર નથી કે જ્યારે આ નાના પક્ષે આવું કર્યુ છે. આ પહેલા પણ આ નાનો પક્ષ ઘણા મોટા ખેલ બગાડી ચૂક્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની જેડીએસ પહેલા પણ ઘણી કમાલ કરી ચૂકી છે. જેડીએસ પ્રવકતા દાનિશ અલીએ મીડિયામાં નિવેદન આપ્યું છે કે જેડીએસ શરૂઆતથી જ કહેતી આવી છે કે કુમારસ્વામી સીએમ બનશે. પરિણામો આવ્યા બાદ અમે કોશિશ કરી રહ્યા છે કે ભાજપને સત્તામાંથી બહાર રાખી શકાય. અમે કોંગ્રેસનું સમર્થન સ્વીકાર્યુ છે. આ પૂરા મામલે કર્ણાટકમાં ભાજપના સીએમ ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે રાજ્યની જનતાએ કોંગ્રેસને રીજેક્ટ કરી છે યેદિયુરપ્પાએ કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ રિજેક્ટ થયા બાદ પણ સત્તા ઝૂંટવવાની ફિરાકમાં છે.