(એજન્સી) તા.૨૫
ભારત આજે ગંભીર રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને વૈચારિક કટોકટીનો સામનો કરી રહ્યું છે અને કેન્દ્ર ખાતે સત્તારુઢ પક્ષ અને તેના સંલગ્ન સંગઠનો દેશના સેક્યુલર માળખાને બદલી નાખવા માગે છે. આ સંજોગોમાં પ્રગતિશીલ વ્યક્તિઓ અને સમૂહોએ આ પડકારોનો સામનો કરવા આગળ આવવું જોઇએ અને સંવિધાન, સેક્યુલરીઝમ અને દેશની એકતાને બચાવવા માટે માર્ગ અને ઉપાયો શોધી કાઢવા જોઇએ.
શનિવારે ઉરી ખાતે શરુ થયેલ નેશનલ અલાયન્સ ઓફ પીપલ્સ મૂવમેન્ટ (NAPM)ના ત્રિદીવસીય રાષ્ટ્રીય કન્વેન્શન ખાતે અરુણા રોય, બેઝવાડા વ્હિલ્સન, તિસ્તા સેતલવાડ અને મેધા પાટકર સહિતના ભારતના અગ્રણી સામાજિક અને નાગરિક અધિકાર કર્મશીલો દ્વારા આ અપીલ કરવામાં આવી છે. મેધા પાટકર દેશભરમાં પાયાના સ્તરે ચાલતી તમામ ચળવળના છત્ર સંગઠન NAPMના કન્વિનર છે. જુદા જુદા પાયાના સ્તરના સંગઠનોના ૬૦૦થી વધુ ડેલિગેટ્સ ખનન, ઉદ્યોગ અને વિસ્થાપન વિરુદ્ધ તેમજ આ સંમેલનમાં હાજરી આપી રહેલ વનવાસીઓ, ખેડૂતો, માછીમારો, દૈનિક રોજમદારોના અધિકારો માટે લડત આપી રહ્યાં છે.
મેક્સેસે એવોર્ડ વિજેતા અરુણા રોયે જણાવ્યું હતું કે કામદારો અને ખેડૂતો ભારતના પાયા સમાન છે. પરંતુ ખાણો, ફેક્ટરીઓ, વિમાની મથકો અને સ્માર્ટ સિટી જેવા વિકાસકીય પ્રોજેક્ટના નામે તેમની જમીનો છિનવી લેવામાં આવી રહી છે. સરકાર અમારા અવાજને દબાવી દેવા નવા કાયદા લાવી રહી છે. અનેક સામાજિક કર્મશીલો જેલમાં છે અને બધે કોન્ટ્રાક્ટર રાજ ચાલી રહ્યું છે. આપણે તેની સામે લડવું પડશે.
નાગરિક અધિકાર કર્મશીલ તિસ્તા સેતલવાડે જણાવ્યું હતું કે આજે સત્તારુઢ સરકારને સંવિધાન માટે સહેજપણ આદર નથી. કેન્દ્ર સરકાર એનઆરસીના નામે સામાન્ય લોકોમાં ડર ઊભો કરી રહી છે અને આદિવાસીઓ, દલિતો, લઘુમતીઓ સહિત મોટા ભાગના ઉપેક્ષિત વર્ગોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
એક બાજુ અદાણીઓને વધુને વધુ ધનાઢ્ય બનાવવા માટે ગરીબો પાસેથી પાણી, વન અને જમીન છિનવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ લોકોને ભયમાં રાખવા માટે એનઆરસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવું તિસ્તા સેતલવાડે જણાવ્યું હતું. મેક્સેસે એવોર્ડ વિજેતા બેઝવાડા વ્હિલ્સને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કેટલાક સુપર રીચ લોકોને લાભ થાય અને ગરીબ લોકો હાંસિયામાં ધકેલાઇ જાય એવી નીતિ તૈયાર કરી રહી છે. નર્મદા બચાઓ આંદોલનના નેતા મેધા પાટકરે જણાવ્યું હતું કે ધર્મ અને જ્ઞાતિના નામે દેશને વિભાજિત કરતી ગુંડાગીરીને આપણે પડકાર ફેંકવો જોેઇએ.
સંવિધાન, સેક્યુલરીઝમ અને એકતાને બચાવવાનો આ યોગ્ય સમય છે

Recent Comments