(એજન્સી) અનંતનાગ, તા.ર૭
દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લામાં સરકારી શાળાના આચાર્ય લશ્કરી છાવણીમાં સેનાના જવાનો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતોેે. આચાર્ય પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેઓ અને શાળાના અન્ય શિક્ષકો ‘આઝાદી’નો પ્રચાર-પ્રસાર કરતા પાઠ બાળકોને ભણાવી રહ્યા છે.
આચાર્યની ઓળખ મુશ્તાક એહમદ મીર તરીકે થઈ છે. તેઓ શોપિયનના દરમદોરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં કાર્યરત છે. મીરએ જણાવ્યું કે, તેમને શનિવારે સેનાના કર્મી તરફથી ફોન આવ્યો હતો કે, હોવલ ગામ નજીક ૪૪ઇઇ કેમ્પમાં તેમને બોલાવવામાં આવ્યા છે. મીરએ કહ્યું કે, સેનાના અધિકારી અમારી શાળાની અવાર-નવાર મુલાકાત લઈ ચૂક્યા છે અને પહેલા તેમનો વ્યવહાર આદરપૂર્વકનો હતો, તેમણે શાળાને કેટલીક સામગ્રી પૂરી પાડવા વચન પણ આપ્યું હતું. જો કે શનિવારે પૂછપરછ કેન્દ્રમાં લઈ જતા પહેલા છાવણીના પ્રવેશદ્વાર પર અડધો કલાક રાહ જોવડાવવામાં આવી હતી. તેમણે મારા પર આઝાદી તરફી અને રાષ્ટ્રવિરોધી પાઠ ભણાવવાનો આરોપ મૂકી સતત ત્રણ કલાક માર માર્યો. આ સમયે અધિકારીઓ પણ હાજર હતા.
મીરને આઝાદી પક્ષી વિચારધારા ધરાવતા શિક્ષકોના નામ આપવા કહેવામાં આવ્યું હતું. છાવણીમાંથી લગભગ ત્રણ કલાક બાદ મુક્ત કરાયા પછી ડાયાબિટીસના દર્દી મીરએ પોતાના એક સહકર્મી શિક્ષકને ફોન કરી બોલાવ્યા હતા જે મીરને હોસ્પિટલ લઈ ગયા હતા. મીર હજુ બેસી શકે તેવી અવસ્થામાં પણ નથી.
ઉલ્લેખનીય છે કે, ૪૪RR છાવણી થોડા સમય પહેલા પણ સમાચારનું કેન્દ્ર બની હતી જ્યારે ગામના લોકોએ સેનાના અધિકારીઓના સ્વાયત્ત અને ઉદ્વત વર્તનની ફરિયાદ કરતા દેખાવો કર્યા હતા. સ્થાનિકો વિસ્તારમાંથી છાવણીને દૂર કરવા માગણી કરી હતી.
આ મુદ્દે કર્નલ રાજેશ કાલિઆએ તમામ આરોપો ફગાવતા કહ્યું કે, અમારા માણસો દ્વારા આ વ્યક્તિને અટકાયત જ નથી કરવામાં આવી તો તેની હેરાનગતિનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.