જામનગર,તા.૨
લાલપુરના ભણગોરમાં ગુરૂવારની રાત્રે એક પ્રૌઢની માથામાં જીવલેણ ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસે હત્યા આડાસંબંધના મામલે થઈ હોવાની આશંકા સેવી મૃતકના ભાઈની ફરિયાદ પરથી એક શખ્સ અને તેના સાગરિતો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા નવીનભાઈ લખુભાઈ પાંડવ (ઉ.વ.૪૮) નામના ખવાસ પ્રૌઢ ગુરૂવારે રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરેથી ખેતરે ગયા પછી ત્યાં ઉભી કરવામાં આવેલી ઓરડીની છત પર સૂવા માટે ગયા હતા.
ત્યાર પછી ગઈકાલે સવારે નવીનભાઈ જોવા મળ્યા ન હતા. આમ સાંજ પડી જવા આવી તેમ છતાં નવીનભાઈ ક્યાંય નહીં દેખાતા તેમના પુત્ર ટ્રેક્ટર મૂકવા માટે વાડીએ આવ્યા હતા. તેઓએ ટ્રેકટર મૂકી મોટરસાયકલની ચાવી શોધી હતી, પરંતુ ચાવી ક્યાંય નહીં મળતા તેઓએ કાકા ભરતભાઈ લખુભાઈને તેની જાણ કરી હતી.
ચાવી શોધી રહેલા કાકા-ભત્રીજા જ્યારે ઓરડીની છત પર પહોંચ્યા ત્યારે તેઓએ નવીનભાઈને લોહીલુહાણ હાલતમાં જોયા હતા. આથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. લાલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. રાણા તેમજ સ્ટાફ ભણગોર દોડયા હતા. પોલીસે છત પરથી નવીનભાઈના મૃતદેહને કબજે કર્યા પછી નાનાભાઈ ભરત લખુભાઈનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મૃતક નવીનભાઈને ભણગોરમાં જ એક મહિલા સાથે આડાસંબંધ હોવાની વિગતો મળી હતી. તેને પોલીસે નોંધમાં લઈ હાલમાં ભરતભાઈ પાંડવના નિવેદન પરથી ભણગોરના જ ઘનશ્યામ કચરાભાઈ કોળી તેમજ તેની સાથે રહેલા અજાણ્યા શખ્સો સામે આઈપીસી ૩૦૨, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ નવીનભાઈની આડાસંબંધના મામલે જ હત્યા કરવામાં આવી છે. તેઓને માથામાં કોઈ ધારદાર હથિયાર વડે જીવલેણ ઘા ઝીંકવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવ્યું છે અને ઘનશ્યામ કોળી સહિતના શખ્સોના સગડ દબાવ્યા છે.