(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
શહેરના વરાછા અંકુર ચોકડી પાસે આવેલ એકતા નગરમાં આજે સવારે સાડા સાત વાગ્યના સુમારે ગેસ સિલિન્ડર લીકેજથી આગ લાગી હતી. પડોશીઓ દ્વારા બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે વરાછા અંકુર ચોકડી પાસે આવેલ એકતાનગરમાં પ્લોટ નં. ૧૨૧માં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર ઓફિસર રોઝી વાડિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મકાન માલિક શિવકુમાર પ્રજાપતિના મકાનમાં મનોજ ગૌતમ લાડ આજે સવારે રસોઈ બનાવતો હતો. ત્યારે ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક થવાથી આગ લાગી હતી. આગને કાબુમાં કરવા માટે કાપોદ્રા અને કતારગામ ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. આગથી ઘરવખરી અને કિચનનો સામાન સળગી ગયો હતો તે સિવાય અન્ય કોઇપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ ન હોવાનું જાણવા મળે છે.