જામનગર, તા.૩૧
જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક અગાઉ કાર્યરત પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરાયેલા કેટલાક મુદ્દામાલના જથ્થામાં ગઈકાલે આગ ભભૂકી હતી જેને ફાયરબ્રિગેડે કાબૂમાં લીધી હતી. દસ દિવસમાં બીજા પોલીસ સ્ટેશનમાં ભંગારના જથ્થામાં ભભૂકેલી આગે ચર્ચા જગાવી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલથી ગુરૂદ્વારા ચોકડી તરફ જવાના માર્ગ પર આવેલા સિટી-બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના છેવાડે અગાઉ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન કાર્યરત હતું ત્યાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલો કેટલોક મુદ્દામાલ રાખી મૂકવામાં આવ્યો હતો જેમાં જૂના વાહનો તથા ઝબ્બે કરાયેલા દારૂની ભઠ્ઠીના સાધનો, બેરલો વગેરે રાખવામાં આવ્યા હતા ત્યાં કોઈ કારણથી ગઈકાલે બપોરે સાડા અગિયારેક વાગ્યે આગનું છમકલું થયા પછી આગ પ્રસરવા માંડી હતી.
આ બાબતની તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ધસી ગયો હતો. બે ગાડી વડે પાણીનો મારો ચલાવી અંદાજે એકાદ કલાકમાં ફાયરબ્રિગેડે આગને કાબૂમાં લઈ લીધી હતી, પરંતુ તે પહેલા કેટલોક ભંગાર સળગીને ખાખ થઈ ગયો હતો.