(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
શહેરના ભાઠેના ઉમિયા માતાના મંદિર પાસે પ્લાસ્ટિકના દાણા બનાવવાના કારખાનામાં ગતરાત્રે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે ભાઠેના ઉમિયા માતાના મંદિર નજીક પ્લોટ નં. ૮૬માં આગ લાગી હોવાનો મેસેજ મળતાની સાથે જ ફાયર ઓફિસર ક્રિષ્ણા મોઢ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતો. ગ્રાઉન્ડ ફલોર પર આવેલ પ્લાસ્ટિકના દાણા બનાવવાના કારખાનામાં અચાનક શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આગના લીધે કારખાનામાં રાખેલ પ્લાસ્ટિકના દાણા તેમજ તૈયાર અને કાચા માલનો જથ્થો આગમાં સ્વાહા થઇ ગયો હતો. કારખાના માલિક રામભાઇ દ્વારા શબ્બીર હુસેન શેખને ભાડૂઆત તરીકે રાખવામાં આવ્યા હતા. રાત્રિના કારખાનું બંધ હોવાથી જાનહાનિ ટળી હતી. આગ કાબૂમાં આવી ગઈ પરંતુ તૈયાર અને કાચો માલ સળગી ગયો.