(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
શહેરના પુણા કુંભારિયા રોડ ઉપર લેન્ડ માર્ક માર્કેટની સામે આવેલી જયભવાની ઇન્ડસ્ટ્રીઝમાં ત્રીજા માળે આજે સવારે એમ્બ્રોઇડરીના કારખાનામાં લાગેલી આગથી મટીરિયલ અને કાચો માલ સામાન આગમાં સ્વાહા થઈ ગયો હતો.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સાડા દસ વાગ્યાના સુમારે પુણા કુંભારિયા રોડ લેન્ડ માર્ક માર્કેટના સામે આવેલી જય ભવાની ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. જય ભવાની ઈન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નં. ૧૪૧ના ત્રીજા માળે આવેલ એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ લાગી હતી. ફાયર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સવારના સમયે લાગેલી આગથી આજુબાજુના કારખાનામાં કામ કરનારા કારીગરોમાં નાસભાગ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એમ્બ્રોઈડરી મશીન અને તૈયાર તેમજ કાચા માલને આગ પાણીથી નુકસાન થયું છે.