નવી દિલ્હી, તા.૧૪
મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદને લાગે છે કે પંત ‘ચેમ્પિયન ક્રિકેટર’ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને રમતના અલગ ફોર્મેટમાં કોઈપણ પરેશાની વિના પોતાને સેટ કરવાની કાબેલિયતથી તે ર૦૧૯ વિશ્વકપ અભિયાન માટે ચોક્કસ રીતે ભારતીય ટીમની યોજનામાં સામેલ છે. તેમણે કહ્યું કે પંતે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટ્‌વેન્ટી-ર૦ અને ચાર ટેસ્ટ મેચ રમી તેને બે સપ્તાહના પુરા આરામની જરૂર છે તે અમારી વિશ્વકપ યોજનાનો હિસ્સો છે. બીજી બાજુ પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ રિષભ પંતને ભવિષ્યની પૂંજી ગણાવી છે. ઓગસ્ટ ર૦૧૮માં પોતાનો ટેસ્ટ પ્રવેશ કર્યા પછી ર૧ વર્ષીય પંતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારી સારી પ્રગતિ કરી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પંતે સાત ઈનિંગમાં ૩પ૦ રન કર્યા હતા અને સૌથી વધુ રન કરનાર ચેતેશ્વર પુજારા બાદ બીજા સ્થાને હતો અને વિકેટ કીપીંગમાં ટેસ્ટ સિરીઝમાં ર૦ કેચ ઝડપી ભારતીય વિકેટકીપરનો રેકોર્ડ તોડ્યો. ભવિષ્યમાં પંત ભારતનો એક ઘણો સારો ખેલાડી બનશે એમ ગાંગુલીએ પત્રકારોને જણાવ્યું હતું.