અમદાવાદ, તા.ર૪
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ ‘મેઘરાજા’ જાણે કે વિરામ કરતાં હોય તેમ સામાન્ય વરસાદને બાદ કરતા ક્યાંક વરસાદી માહોલ જામ્યો હોય તેવું જોવા મળી રહ્યું નથી ત્યારે ફરી એકવાર મધ્યપ્રદેશ તરફ ફંટાયેલી સાઈક્લોનિક સિસ્ટમ અને લો-પ્રેશર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ લાવશે. હવામાન વિભાગે આગામી ર૪ કલાકમાં રાજ્યના અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદે હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિરામ લીધો છે. જો કે હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ થયાવત છે. દાહોદ, લીમખેડા, છોટાઉદેપુર અને વાંસદા મળી કુલ ચાર તાલુકાઓમા એક ઈચથી વધુ અને ફતેપુરા, ચીખલી, સંખેડા, સંજેલી, ડોલવણ, માંડવી, ખેરગામ, ડાંગ, ગરબાડા અને સુબીર મળી કુલ ૧૧ તાલુકાઓમાં અડધો ઈચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે તો આગામી ત્રણ દિવસ સુધી મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહીની વચ્ચે સવારે અમદાવાદના અમુક વિસ્તારોમાં ધીમેધારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે. આગામી બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સાઈક્લોનિક સિસ્ટમ તેમજ લો પ્રેશર આ બંને સિસ્ટમ મધ્યપ્રદેશમાં સક્રિય થઈ જેના કારણે મધ્યપ્રદેશમાં પણ જોરદાર વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજા મનમૂકીને વરસી શકે છે. દીવ, દમણ અને સોમનાથમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. ખેડા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. તાપી, સુરત, ડાંગ, જામનગર અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.