અમદાવાદ,તા.૧૧
ચોમાસાના આરંભે જ સારો વરસાદ થતા રાજયભરમાં આ વર્ષે સારૂં ચોમાસુ જશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે કચ્છની બોર્ડરને જોડતા વિસ્તાર પર અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સ્થિર થયેલ અપર એર સાઈકલોનિક સરકયુલેશનને પગલે આવનાર ૪૮ કલાકમાં ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને રાજસ્થાનમાં સર્જાયેલ અપર એર સાઈકલોનિક સરકયુલેશનને પગલે ગુરૂવારથી રાજયના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. બીજી તરફ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડવાની કે વરસાદી ઝાપટા પડવાની શકયતા રહેલી છે રાજયભરમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.
જેને કારણે વાતાવરણમાંથી ગરમીનું પ્રમાણ ઘટયું છે જો કે ભેજનું પ્રમાણ વધતા બફારાનું પ્રમાણ વધ્યુ છે જો કે જયાં વરસાદ છે ત્યાં વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાલ રાજયના અનેક વિસ્તારો હળવાથી મધ્ય્મ વરસાદ પડશેજયારે ૧૩,૧૪ જુલાઈના રોજ સીસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.