(એજન્સી) કોલકાતા, તા. ૧૪
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન જોરદાર હિંસા થઇ હતી. રોડ શો દરમિયાન થયેલા પથ્થરમારામાં ભાજપના અનેક સમર્થકો ઉપરાંત કેટલાક પત્રકારો પણ ઘાયલ થયા હતા. ઠેર-ઠેર ભાજપ સમર્થકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અમિત શાહના ટ્ર્‌ક પર ડંડા દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા જે બાદ હિંસા ફેલાઇ હતી. સ્થિતિ સંભાળવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા તબક્કાની ચૂંટણી પહેલા અમિત શાહ મંગળવારે કોલકાતામાં રોડ શો કરવા પહોંચ્યા હતા અને એક દિવસ પહેલા જ તેમણે ધમકીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે, તેઓ બંગાળમાં આવી રહ્યા છે અને દીદીમાં હિંમત હોય તો તેમની ધરપકડ કરીને બતાવે. અમિત શાહના રો શો દરમિયાન ઠેર-ઠેર ભાજપ અને ટીએમસીના સમર્થકો વચ્ચે મારામારી થઇ હતી અને ડાબેરી કાર્યકરો પણ તેમાં સામેલ થયા હતા.
અહેવાલો અનુસાર જ્યારે અમિત શાહનો રોડ શો કોલેજ સ્ટ્રીટ પર કોલકાતા યુનિવર્સિટી બહારથી પસાર થયો ત્યારે ભાજપ અને ડાબેરી પાર્ટીઓના વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી. ઘણી જગ્યાઓ પર આગચંપીના બનાવો બન્યા હતા. ત્યારબાદ પોલીસની ટીમો આગ પર કાબૂ મેળવવામાં લાગી ગઇ હતી. રોડ શો દરમિયાન બગડેલી સ્થિતિને પગલે વિદ્યાસાગર કોલેજમાં બનેલી ઇશ્વર ચંદ્રની મૂર્તિ પણ તોડી નાખવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રોડ શો દરમિયાન એક કોલેજ હોસ્ટેલમાંથી અમિત શાહના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે બાદ ભાજપના કાર્યકરોએ આ બિલ્ડીંગનો ઘેરાવ કર્યો હતો અને તેમણે જવાબમાં હુમલો કર્યો હતો તથા કોલેજ બહાર આગચંપી પણ કરી હતી. ભાજપના રોડ શો પહેલા અમિત શાહ અને પીએમ મોદીના પોસ્ટરો ઉતારવાનો વીડિયો સામે આવ્યો હતો. આ ઘટના બાદ ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે બબાલ શરૂ થઇ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે આ ઘટનાને લોકતંત્રની હત્યા ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકારી મશીનરીનો ઉપયોગ ભાજપ વિરૂદ્ધ કરવામાં આવી રહ્યો છે.