(એજન્સી) તા.૮
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્‌સ યુનિયનની અધ્યક્ષ આઈશી ઘોષે રવિવારે જેએનયુમાં થયેલી હિંસા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું હતું કે અમારા વિરુદ્ધ કાવતરું ઘડીને અમારા પર ટોળામાં આવીને હુમલો કરનારા તથા આ ઘટનાને અંજામ આપનારા લોકો વિરુદ્ધ હું ફરિયાદ નોંધાવી રહી છું. મારી તથા અન્ય લોકોની હત્યાનો પણ પ્રયાસ કરાયો હતો. ફરિયાદમાં તેણે લખ્યું છે કે, હું વિનંતી કરું છું કે મારી ફરિયાદ નોંધવામાં આવે અને ગુનેગારોને પકડીને તેમને દંડિત કરવામાં આવે. તેણે કહ્યું કે ૫ જાન્યુઆરીએ બપોર પછી મને વિદ્યાર્થીઓનો કોલ આવ્યો હતો કે એબીવીપી સાથે સંકળાયેલા કાર્યકરો કેટલાક અજાણ્યા લોકો સાથે ગંગા બસ સ્ટોપ નજીક એકઠાં થયા છે અને તેમની પાસે હથિયારો, રોડ પણ છે.
હું નિખિલ મેથ્યૂ (એમ.એ. લેબર સ્ટડીજ) સાથે ત્યાં જ હતી. અમને બુકાનીધારીઓના ટોળાએ ઘેરીલીધા. ટોળામાં ૨૦-૩૦ લોકો હતા અને તેઓ મને ઢસડીને કાર પાછળ લઈ ગયા અને તેઓએ મને ઘેરી લીધી. હું વિનંતી કરતી રહી હતી છતાં તેઓએ મને જવા ન દીધી અને તેઓ મને રોડથી મારવા લાગ્યા. હું ઢળી પડી. લોહી વહેવા માંડ્યું. હું તેમાંથી એકને ઓળખી ગઈ. મેં તેનો ચહેરો પણ જોયો છે. જો હું તેને જોઈશ તો તેને ઓળખી કાઢીશ. તેઓએ મને માથામાં લોખંડના રોડથી ફટકારી હતી. તેમાંથી અનેક લોકો મને લાતો મારવા લાગ્યા હતા. મને છાતિ, માથા અને પીઠ તમામ અંગો પર ઈજા થઇ છે.મેં ફરિયાદની એક કોપી એમએલસીને પણ સોંપી છે. નિખિલ મેથ્યૂએ મને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને પણ હથોડા વડે મારવામાં આવ્યો.