(એજન્સી) તા.૪
ત્રણ દાયકા પહેલાં ૧૯૮૪માં થયેલા ઓપરેશન બ્લ્યુ સ્ટાર દરમિયાન માર્યા ગયેલા અલગાવવાદી નેતા જરનૈલસિંહ ભિંડરાનવાલે પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાથી નારાજ હિંદી સમાચાર ચેનલ આજતકે એક લાઈવ શો દરમિયાન કામગીરી પેનલિસ્ટની હકાલપટ્ટી કરી હતી. આજતકે આ પગલું અન્ય પેનલિસ્ટોના વિરોધ પછી લીધું હતું. કાશ્મીરના યુદ્ધવિરામ પર ચાલી રહેલી ચર્ચામાં કાશ્મીરી પેનલિસ્ટ ઈનામ અન નબી પણ હતા જે પોતાને રાજકીય વિશ્લેષક ગણાવે છે. જ્યારે શોના એન્કર સઈદ અંસારીએ ઈનામ અને નબીને પ્રશ્ન કર્યો ત્યારે એમણે કહ્યું તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું જરનૈલ સિંહ ભિંડરાનવાલે અને ઓપરેશન બ્લ્યુ સ્ટારના તમામ પીડિતોને શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. નબીની આ ટિપ્પણી દરમિયાન તેમને અધવચ્ચે રોકીને સઈદ અન્સારીએ કહ્યું કે, તમારી સાથે આ જ સમસ્યા છે તમને કોઈ વાતચીત માટે બોલાવવામાં આવે છે ત્યારે તમને તેને અવળા માર્ગે લઈ જાવ છો. કાર્યક્રમના એન્કર ઉપરાંત પેનલમાં હાજર રહેલા કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીએ પણ નબીની ટિપ્પણીનો ખૂબ વિરોધ કર્યો. એમણે માગણી કરી કે નબીને તરત જ કાર્યક્રમમાંથી હટાવવામાં આવે. કોંગ્રેસ પ્રવક્તાની આ માંગનું કાર્યક્રમમા હાજર રહેલા બધા લોકોએ સમર્થન કર્યું. પેનલિસ્ટોના વિરોધને ધ્યાનમાં રાખીને ચેનલે લાઈવ કાર્યક્રમમાંથી નબીને હટાવી દીધા.