(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
લોકસભામાં શુક્રવારના રોજ મોદી સરકારનો પહેલો ટેસ્ટ છે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર જોરદાર ચર્ચા થશે. વર્ષ ૨૦૦૩ બાદ પહેલી વખત કેન્દ્ર સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. સરકાર આ ટેસ્ટમાં પાસ થઇ જશે તેવું આંકડા પરથી કહી શકાય છે પરંતુ આની પહેલાં બંને બાજુ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગુરૂવાર સવારે જ્યાં સોનિયા ગાંધીના ઘરે કૉંગ્રેસ પાર્લામેન્ટ્રી પાર્ટી (ઝ્રઁઁ)ની બેઠક મળી, ત્યાં પીએમ મોદીએ પણ મંત્રીઓ સાથે મુલાકાત કરી છે. શુક્રવારે જ્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે ત્યારે સાબિત થશે કે પક્ષ કે વિપક્ષની જીત થઈ છે. એક બાજુ ભાજપ એટલે એનડીએ પોતાના સાથીઓને પણ ચકાસશે કે કોણ પોતાની બાજુમાં છે અને વિપક્ષના પક્ષમાં છે તો બીજી બાજુ વિપક્ષની પણ અગ્નિપરીક્ષા થશે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર કોણ તેમને સમર્થન આપે છે.
નોંધનીય છે કે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વિપક્ષ દ્વારા સરકાર વિરૂદ્ધ રજૂ કરેલ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને મંજૂર કરી દીધેલ છે. મોદી સરકારનાં વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શુક્રવારનાં રોજ થશે તથા તે જ દિવસે આ મામલે મતદાન પણ થશે. તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસમીએ કહ્યું કે, એઆઇએડીએમકે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે નહિ. પક્ષનું માનવું છે કે, કાવેરી મુદ્દા પર કોઇએ સાથ નથી તેથી આ નિર્ણય લેવાયો છે. બીજી બાજુ ડીએમકે અને ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળએ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કર્યું. બીજેડીએ તેના સાંસદોને વ્હીપ જાહેર કરીને સંસદમાં હાજર રહેવાનું કહ્યું છે.
લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ભોજનાવકાશ બાદ સદનને સૂચિત કર્યું કે તેલુગુદેશં પાર્ટીનાં સભ્યનાં શ્રીનિવાસનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારનાં ૨૦ જુલાઇનાં રોજ ચર્ચા કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, તે દિવસે પ્રશ્નકાળ નહીં હોય અને ના તો સભ્યોનાં ખાનગી વિધેયકો પર ચર્ચા થશે. તે જ દિવસે ચર્ચા બાદ પ્રસ્તાવ પ્રસ્તાવ પર મતદાન પણ થશે. મોદી સરકાર કેટલી સફળ રહી કે ક્યાં નિષ્ફળ રહી તેનું સરવૈયું તો ૨૦૧૯માં આવી જશે. પરંતુ જનતાની પરીક્ષાના ૧૧ માસ પહેલાં શુક્રવારે મોદી સરકારને ૪ વર્ષના શાસનકાળમાં પહેલી વખત અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષ સરકાર વિરૂદ્ધ વાતાવરણ બનાવવાની કોઈ તક છોડવા નથી માંગતું.
તો બીજી તરફ સરકારે પણ પોતાનું વલણ બદલાવ્યું છે અને બહુમત હોવા છતાં ભાજપ ડરી ગઈ તેવો મોકો કોઈને આપવા તૈયાર નથી. તેથી જ સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આ પ્રસ્તાવ પર ચર્ચા માટે તૈયાર છે. આ ઉપરાંત દ્ગડ્ઢછના સાથી પક્ષો ઉપરાંત વિપક્ષનું વલણ પણ મહત્વપૂર્ણ થશે કે જેઓએ હજુ સુધી કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી કરી. ભાજપના મેનેજરોનું કહેવું છે કે મોદી સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ એકદમ સરળતાથી પડી જશે. કારણ કે ગૃહમાં એનડીએની પાસે ૩૧૫ સાંસદ (સ્પીકર સહિત) છે. આપને જણાવી દઇએ કે ૫૩૫ સભ્યોમાંથી બહુમતીનો આંકડો ૨૬૮ છે. ભાજપની પાસે બે નામિત સભ્યોને સામેલ કરતા ગૃહમાં ૨૭૩ સભ્ય છે. જો કે એનડીએના અંતિમ નંબરમાં થોડીક વધ-ઘટ થઇ શકે છે કારણ કે કેટલાંક ભાજપના સાંસદ અસંતુષ્ટ છે જ્યારે કેટલાંક બીમાર તો વિદેશમાં છે.

મોબ લિન્ચિંગ માટે રાજનાથે દોષનો ટોપલો રાજ્ય સરકારો પર ઢોળ્યો

ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ભીડ દ્વારા થતી હત્યાઓ અંગે કહ્યું છે કે, એ વાત સાચી છે કે, મોબ લિન્ચિંગ થઇ રહી છે, આમાં ઘણા લોકો મોતને ભેટ્યા છે. જોકે, તેમણે આ માટે લગામ કસવાની જવાબદારી રાજ્ય સરકારો પર ઢોળી દીધી અને કહ્યું કે, સંબંધિત રાજ્યોની સરકારો આ માટે સખત કાર્યવાહી કરે. તેમણે મોબ લિન્ચિંગ માટે ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર ચલાવાતી અફવાઓને પણ જવાબદાર ગણાવી હતી. દેશભરમાં થઇ રહેલી મોબ લિન્ચિંગની ઘટનાઓ બાદ કોંગ્રેસે આ અંગે લોકસભામાં સભા મોકૂફીનો પ્રસ્તાવ આપ્યો હતો અને સરકાર સાથે ચર્ચાની માગ કરી હતી. ત્યારબાદ ગૃહમંત્રીએ તેનો જવાબ આપ્યો હતો.
રાજનાથસિંહે કહ્યું કે, મોબ લિન્ચિંગની ઘટનાઓમાં લોકોના મોત સરકાર માટે ચિંતાનો વિષય છે. તેઓ સરકાર તરફથી લિન્ચિંગની ઘટનાઓને વખોડે છે અને ટીકા કરે છે. આ બધી ઘટનાઓ અફવાઓ અને શંકાના આધારે થાય છે. રાજ્ય સરકારોની જવાબદારી છે કે, તેઓ આવી ઘટનાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરે. સોશિયલ મીડિયા કંપનીઓને નિર્દેશ અપાયા છે કે, તેઓ ચેક એન્ડ બેલેન્સનો ઉપયોગ કરે. આ મામલો કેન્દ્રનો નહીં પણ રાજ્યોનો છે. તેમ છતાં કેન્દ્ર સરકાર મૌન નથી. આવી ઘટનાઓને જોતા ગૃહ મંત્રાલયે પહેલીવાર ૨૦૧૬માં અને બીજીવાર જુલાઇ ૨૦૧૮માં સલાહકારી જારી કરી મુખ્યમંત્રીઓને કહ્યું કે દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરે. જોકે, કોંગ્રેસના સભ્યો આ જવાબથી સંતુષ્ટ થયા નહોતા અને સદનમાં હોબાળો કરી વોકઆઉટ કરી ગયા હતા. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે, ગૃહમંત્રીનું નિવેદન સંતોષજનક નથી, આ પિંગપોંગની રમત નથી કે, કેન્દ્ર અને રાજ્યો એક બીજા પર જવાબદારી નાખતા રહે.

લિન્ચિંગના દોષિતોનું સન્માન કરવા બદલ
લોકસભામાં જયંત સિંહા વિરૂદ્ધ વિપક્ષનો સૂત્રોચ્ચાર

ઝારખંડમાં મુસ્લિમ વ્યક્તિને ગાયની કતલની શંકામાં રહેંસીને મોતને ઘાટ ઉતારનારા આઠ દોષિતોનું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયંત સિંહા દ્વારા સન્માન કરવાના એક અઠવાડિયા બાદ ગુરૂવારે તેઓ જવાબ આપવા માટે ઉભા થયા તે સમયે લોકસભામાં વિપક્ષે તેમની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન સિંહાએ માફી માગી હતી અને કહ્યું હતું કે, કાયદો તેનું કામ કરશે. દોષિતને સજા થશે અને નિર્દોષને છોડી મુકાશે. રામગઢ લિન્ચિંગના દોષિતોને સન્માન કરવાની બાબતને ગૌરક્ષકોને મારૂ સમર્થન હોવાનું માનવામાં આવે તો હું માફી માગું છું. વિપક્ષના સભ્યોએ આ દરમિયાન દોષિતોનું સન્માન કરવાનું બંધ કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી નીતિન ગડકરીએ વિપક્ષને પોતાની બેઠકો પર બેસી જવા વિનંતી કરી હતી. જ્યારે સિંહાએ બોલવાનું બંધ કર્યુંં ત્યારે વિપક્ષ વેલમાંથી પોતાની બેઠક પર ગયો હતો. સાતમી જુલાઇએ હઝારીબાગના સાંસદે દોષિતોનું સન્માન કરી તેમને મીઠાઇઓ ખવડાવી હતી.

મોબ લિન્ચિંગ આર્થિક અસમાનતાનું પરિણામ !! : ભાજપ નેતા મીનાક્ષી લેખી

લોકસભામાં ભાજપના નેતા મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, મોબ લિન્ચિંગ દેશમાં આર્થિક અસમાનતાનું પરિણામ છે. મીનાક્ષી લેખીએ શૂન્યકાળમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ મંગળવારે ટોળાશાહી વિશે ટીપ્પણી કરી હતી. બંગાળના કામદાર માણિક રોય અને કેરળમાં આદિવાસી યુવક મધુની હત્યાનો દાખલો આપતા મીનાક્ષી લેખીએ કહ્યું કે, લિન્ચિંગની ઘટનાઓ આર્થિક મુદ્દાઓ સાથે સંકળાયેલી છે. લિન્ચિંગની ઘટનાઓ આર્થિક અસમાનતાને કારણે ઘટે છે. શૂન્યકાળમાં ભાજપના નિશીકાંત દુબેએ મિશનરીઓ અને કથિત ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, આદિવાસીઓને સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવા આપી મિશનરીઓ ધર્માંતરણનું રેકેટ ચલાવે છે.

એઆઇએડીએમકે કદાચ મોદી સરકાર વિરૂદ્ધ
અવિશ્વાસ દરખાસ્તનું સમર્થન ના કરે : પલાનીસામી

તામિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસામીએ ગુરૂવારે સંકેત આપ્યા હતા કે, એઆઇએડીએમકે કદાચ મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્તનું સમર્થન ના કરે સાથે જ તેમણે કહ્યું કે, આ દરખાસ્ત આંધ્રપ્રદેશની ચિંતા અંગે ટીડીપી દ્વારા આ દરખાસ્ત લવાઇ છે. તેમણે કહ્યું કે, કાવેરી મેનેજમેન્ટ બોર્ડ અને કાવેરી વોટર રેગ્યુલેટરી કમિટી બનાવવાની માગ સાથે એઆઇએડીએમકેના ધારાસભ્યોએ ત્રણ સપ્તાહ સુધી દેખાવો કર્યા હતા તેથી તામિલનાડુ સાથે રાજ્યની કોઇપણ પાર્ટી નથી. એ સમજવાની જરૂર છે કે, આંધ્રપ્રદેશની ચિંતા અંગે ટીડીપી અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે અને બીજી તરફ તામિલનાડુના નેતાઓ દેખાવ કરે છે તો કઇ પાર્ટી અમારા સમર્થનમાં આવશે. કાવેરી પર નિર્ભર ખેડૂતોની સમસ્યા ઉકેલવા કોણ આગળ આવશે. કોઇપણ રાજ્ય આગળ નહીં આવે. ઉલ્લેખનીય છે કે, એઆઇએડીએમકેના લોકસભામાં કુલ ૩૭ સાંસદો છે જે ભાજપ અને કોંગ્રેસ બાદ સૌથી મોટી પાર્ટી છે.