(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
આવતીકાલે સોમવારે યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મતદાનમાં વિપક્ષો દ્વારા સ્થિતિને અનુરૂપ બનવાના પ્રયાસો ચાલુ છે. જે એકતરફી હરીફાઈ દેખાય છે. જેમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ મેદાન મારી જાય તેવી સ્થિતિ છે. કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષી સંઘે એનડીએના ઉમેદવાર કોવિંદને મજબૂત ટક્કર આપવાનો પ્રયાસ કર્યો છે. તેઓ માને છે કે, ૧૪મા રાષ્ટ્રપતિની ચૂંટણી એ વૈચારિક લડાઈ છે, દલિત સામે દલિતની નથી. બન્ને ઉમેદવારો મીરાં કુમાર અને કોવિંદ દલિત છે. સીપીઆઈના નેતા સુધાકર રેડ્ડીએ કહ્યું કે આ એક મુશ્કેલ લડત છે. પ્રતીકની લડત નથી. કુલ વોટ ૧૦,૯૬,૦૦૪માંથી વિપક્ષોની નજર ૪,૦૦,૦૦૦ મત પર છે તેમજ ક્રોસ વોટીંગની અપેક્ષા રાખે છે. બીજી તરફ જદયુએ રામનાથ કોવિંદની તરફેણ કરી છે. જેઓ બિહારના પૂર્વ ગવર્નર હતા. ક્રોસ વોટિંગના ભયથી ટીએમસીના સાંસદોને કોલકાતામાં મતદાન કરવા મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ રવિવારે પક્ષના સાંસદોની બેઠક બોલાવી હતી. જેમાં વિપક્ષના સાંસદો પણ હતા. એનડીએ દ્વારા ત્રિપુરામાં ૬ જેટલા ટીએમસીના ધારાસભ્યોને તરફેણમાં લાવવામાં સફળતા મળી છે. પરંતુ ટીએમસીનું કહેવું છે કે, સત્તાધારી ડાબેરી સરકારના વિરોધમાં ટીએમસીના સભ્યોએ કોવિંદનું સમર્થન કર્યું છે. ભાજપની નેતાગીરીએ કેરળમાં કેરળ કોંગ્રેસના વડા કે.એમ.મણિને પણ મનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમના ૬ ધારાસભ્યો અને ૧ સાંસદ છે. ભાજપનો દાવો છે કે, કેટલાક રાજ્યોમાં તેઓને ૧૦૦ ટકા મત મળશે. પરંતુ તે ખુલાસો કર્યો ન હતો. ગુજરાત-કર્ણાટકમાં કોંગ્રેસના ભાગલાનો ભાજપ લાભ મળવાની આશા રાખે છે. એનડીએના ઉમેદવાર કોવિંદને આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુના, તેલંગાણામાં ટીઆરએસનો ટેકો છે. આ ઉપરાંત ઓરિસ્સા અને તામિલનાડુ સરકાર પરના ધારાસભ્યો એનડીએ સાથે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ૪,૮૯૬ મતદારો રજિસ્ટર છે. સાંસદોના મતની કિંમત સરખી છે. પરંતુ ધારાસભ્યોના મતની કિંમત જુદી જુદી છે. દા.ત. ત્રિપુરાના ધારાસભ્યના મતની કિંમત ર૬ છે જ્યારે કેરળના ધારાસભ્યના મતની કિંમત ૧પર છે. યુપીમાં ધારાસભ્યના મતની કિંમત ર૦૮ છે.