અમદાવાદ, તા.૬
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ, ખેડૂતોના દેવામાફી, ખેતી બચાવો અભિયાન અંતર્ગત આંદોલનના અધિકારનું રક્ષણ, તથા અલ્પેશ કથિરીયા સામેનો રાજદ્રોહનો આરોપ પાછો ખેંચવા અને લોકશાહી અધિકારો પુનઃ સ્થાપિત કરવા સહિતના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિમંડળે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી રજૂઆત કરી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા આવતીકાલે સવારે ૧૧ વાગ્યાથી ર૪ કલાકના ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો મુખ્યમંત્રીને મળવા પહોંચતા પરેશ ધાનાણી સહિત ગણતરીના આગેવાનોને મુખ્યમંત્રીને મળવા જવા દેવાયા હતા. જ્યારે બાકીના આગેવાનો અને કાર્યકરોને ઓફિસ બહાર જ રોકી દેવાયા હતા. આથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જો કે ત્યારબાદ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી.
આ અંગે કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે અમે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન, ખેડૂતોના દેવા માફી અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને ખોટા કેસમાં જેલમાં પૂરી દેવાના મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી હતી. તેમજ કહ્યું હતું સરકારે રાજ્યમાં આંદોલનકારીઓ સાથે સંવાદ કરીને તે મુદ્દાનો ઉકેલ; લાવવો જોઈએ. તેમજ સરકારે રાજ્યમાં સમાજના સદભાવના જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા જોઈએ. આ મુદ્દે મુખ્યમંત્રીએ અમારી વાત સાંભળી છે અને તે અંગે યોગ્ય કરવાની હૈયાધારણ આપી છે. આ ઉપરાંત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને તેમની દેવા માફી માટે અમે સરકારને રજૂઆત કરી છે. તેમજ હાર્દિક પટેલને મળીને તેમની રજૂઆતો પણ સાંભળવા સરકારને અપીલ કરી છે. તેમજ ગરીબો અને શાતિોના હક્કને રક્ષણ આપવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત સરકાર જો આ મુદ્દે કોઈ ઝડપી નિર્ણય નહીં કરે તો કોંગ્રેસ આગામી દિવસોમાં આ અંગે ઉગ્ર આંદોલન કરશે.
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસે આવતીકાલે સવારે ૧૧ વાગ્યાથી ખેડૂતો તેમજ હાર્દિક પટેલના મુદ્દે ૨૪ કલાકના ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસ તમામ જિલ્લા મથકે ૨૪ કલાકના ઉપવાસ આંદોલન કરશે. સ્વર્ણિમ સંકુલ ખાતે ૪૦ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા ધારાસભ્યોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ગણતરીના ધારાસભ્યોને અંદર જવા દેવામાં આવ્યા હતા.